મેરાન્યૂઝ નેટવર્ક, તિરુવનંતપુરમ: કોંગ્રેસના નેતા શશિ થરુરે ગત મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં જીતશે તો તે ભારતમાં ‘હિન્દુ પાકિસ્તાન’ બનાવવા જેવી સ્થિતિ પેદા કરશે.  ભાજપ નવુ સંવિધાન લખશે જે ભારતને પાકિસ્તાન જેવો દેશ બનાવવાનો રસ્તો બનાવશે, જ્યાં લઘુમતિઓના અધિકારોનું કોઈ સન્માન નહીં હોય.

શશિ થરુરે કહ્યું કે જો ભાજપ ફરી લોકસભા ચૂંટણી જીતશે તો આપણુ લોકતાંત્રિક સંવિધાન સમાપ્ત થઇ જશે કારણ કે તેમની પાસે ભારતીય સંવિધાનના લીરા ઉડાડવા અને એક નવું સંવિધાન લખનારા બધા તત્વો છે. ભાજપ દ્વારા લખાયેલ નવું સંવિધાન હિન્દુ રાષ્ટ્રના સિદ્ધાંતો પર આધારિત હશે જે લઘુમતિઓના સમાનતાના અધિકારોને સમાપ્ત કરી દેશે અને ભારતને ‘હિન્દુ પાકિસ્તાન’ બનાવી દેશે. મહાત્મા ગાંધી, નેહરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ અને સ્વતંત્રતા સંગ્રામના મહાન લડવૈયાઓએ આવો દેશ બનાવવા માટે લડાઇ ન્હોતી લડી.

શશિ થરુરના નિવેદન પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે શશિ થરુરે જે કાંઇ કહ્યું છે તેના માટે રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ. પાકિસ્તાનના નિર્માણ માટે કોંગ્રેસ જવાબદાર હતી અને ફરી એક વખત તે ભારતને નીચુ દેખાડવા અને દેશના હિન્દુઓને બદનામ કરવાનું કામ કરી રહી છે.    

સંબિત પાત્રાએ ટ્વિટ કરીને પણ કહ્યું કે, થરુર કહે છે કે જો ભાજપ 2019માં ફરી સત્તામાં આવશે તો ભારત હિન્દુ-પાકિસ્તાન બની જશે!  બેશરમ કોંગ્રેસ ભારતને નીચુ દેખાડવા અને હિન્દુઓને બદનામ કરવાનો કોઈ મોકો છોડતી નથી. ‘હિન્દુ આતંકવાદીઓ’ થી લઇને ‘હિન્દુ-પાકિસ્તાન’ સુધી કોંગ્રેસની પાકિસ્તાનને ખુશ કરનારી નીતિઓનો કોઈ જવાબ નથી.