પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): જીવનમાં બધુ જ આપણી ઈચ્છા પ્રમાણે થતુ નથી અને અનેક વખત આપણા પરિચીતો જ આપણને પસંદ નથી તેવો વ્યવહાર કરે છે અને ક્યારેક આપણને ખબર પડે છે કે મદદ કરવાની વાત બાજુ ઉપર રહી તેમણે આપણને નુકશાન થાય તે પ્રકારનો વ્યવહાર પણ કર્યો છે. આવુ મારી સાથે પણ અનેક વખત થયુ છે. હું પણ એક સામાન્ય માણસ હોવાને કારણે મનમાં દુખની સાથે ગુસ્સાનો પણ જન્મ થાય છે અને મારૂ મન કહે છે હું તેને છોડીશ નહીં, તેને પુરો જ કરીશ નાખીશ., અહિંયા પુરો કરી નાખવાનો અર્થ મારી નાખવાની વાત નથી પણ પુરો કરવાનો અર્થ તે મને જેમ પીડા આપી છે તેવી જ અને કદાચ તે આપી છે તેના કરતા પણ વધુ પીડા આપીશ અને મારા મનમાં વાળેલી ગાંઠને કારણે સવાર-બપોર અને સાંજ મનમાં એક જ વિચાર ચાલ્યા કરે કે હું કઈ રીતે તેની સાથે બદલો લઉ અને આજે કહુ છું મેં આવી ભુલ અનેક વખત કરી છે. મેં બદલો પણ લીધો અને મને રંજાડનારને મેં પણ રંજાડ્યા છે.

મને કોઈએ ત્રાસ આપ્યો અને મેં તેણે મને આપેલો ત્રાસ અનેક ગણો કરી તેને પાછો આપ્યો, આ સાંભળવામાં પણ બહુ સરળ લાગે પણ તે એટલું સરળ નથી. ક્યારેક આપણી આસપાસ રહેલા ખોટા સલાહકારો આપણને કહે કે હણનારને તો હણવો જ જોઈએ. આમઆપણા મનમાં રહેલી બદલાની ભાવનામાં તેઓ તેલ પુરવાનું કામ કરે છે અને પછી જયારે બદલો લેવાનું નક્કી કરીએ ત્યારે આપણા મગજને તાળું વાગી જાય છે. આ કુદરતની ઓટો લોક સીસ્ટમ છે. જ્યારે માણસ કુદરતના નિયમ કરતા જુદો વ્યવહાર કરવા લાગે ત્યારે મગજ કહે છે કે તારે વિચાર જ કરવો નથી તો મારે તને કોઈ સલાહ આપવી નથી અને મગજ પોતાનું કામ બંધ કરી દે છે. મે ભુતકાળમાં કરેલી ભુલોની જેમ આપણે બધા બદલો લેવામાં મચી જઈ છીએ.

પણ જ્યારે આપણને કોઈ નુકશાન કરે અથવા કોઈ પ્રિયજન આપણી ઈચ્છા વિરૂધ્ધ અથવા આપણને અંધારામાં રાખી કંઈક કરે ત્યારે આપણને સૌથી પહેલા તો અસહ્ય દુખ થાય છે. આવા દુખનો મેં અનેક વખત અહેસાસ કર્યો છે. દુખ બાદની જે માનસીક પ્રક્રિયા છે તેમાં બદલો લેવાનો વિચાર આવે છે અને જો આ નબળી ક્ષણ આપણી ઉપર હાવી થઈ જાય તો આપણે પોતાને કલ્પના કરી શકાય નહીં એટલુ મોટુ નુકશાન આપણે પોતાને કરી બેસી છીએ. જ્યારે આપણે બદલો લેવાનો નિર્ણય કરી છીએ ત્યારે સૌથી પહેલા બીજા માટેની કડવાશનું બીજ આપણા હ્રદયમાં રોપીએ છીએ અને સવાર-બપોર અને સાંજ આપણા હ્રદયમાં રોપેલા કડવાશના બીજને આપણે જાતે પાણી પીવડાવાની શરૂઆત થઈ કરીએ છીએ. આપણે ક્યારે બદલો લઈ શકીશુ તે તો આપણા હાથમાં હોતુ નથી પણ હ્રદયમાં રોપેલુ કડવાશનું બીજ આપણુ જીવન કારેલા કરતા પણ કડવુ કરી નાખે છે.

મનમાં રહેલી બીજા પ્રત્યેની કડવાશ આપણને જીવવા દેતી નથી. એક એક ક્ષણ આપણે જન્મ આપેલી કડવાશ જીવનની મધુરતામાં ઝેર ભેળવે છે. આ દરમિયાન આપણા જીવનમાં સારી ઘટનાઓ પણ ઘટે છે છતાં તે સારા દિવસોનો આનંદ આપણે લઈ શકતા નથી. કારણ આપણે કોઈને નુકશાન પહોંચાડવાનો જે નિર્ણય કર્યો છે તે આપણો પીછો છોડતો નથી. રાત દિવસ બદલાની સગી બહેન જેવી કડવાશ આપણુ જ જીવન હરામ કરી નાખે છે. બદલો લેવા માટે આપણે જે કંઈ શારિરીક અને માનસિક શ્રમ કરીએ છીએ તેમાં આપણે પોતાના કામ પણ ભુલી જઈએ છીએ. આપણને જે નુકશાન લાગ્યુ અથવા આપણને જે તકલીફ પડી તેનું કોઈ મીટર હોતુ નથી. સારૂ અને ખરાબનો અનુભવ તો હ્રદયને થતો હોય છે. કદાચ આપણા મનને થતો હોય છે. બસ તે જ ખરાબ લાગ્યાની લાગણી આપણે બીજાને આપવા માગતા હોઈએ છીએ.

જ્યારે આપણા મનમાં જે કડવાશ બદલા રૂપે જન્મ લે છે ત્યારે તે આપણા જીવનમાં કેટલી માઠી અસર કરે છે તે તપાસવાનું હોય તો જ્યારે પણ તમને બદલો લેવાની ઈચ્છા થાય ત્યારે તમારો ચહેરો તમે અરીસામાં જોશો તો તમને તરત સમજાઈ જશે. કારણ તમારી અંદરની કડવાશની સૌથી પહેલી અસર ચહેરા ઉપર થાય છે. જે માણસો સતત બીજાને નીચે દેખાડવા માટે કાવાદાવા કરતા હોય છે તેમના ચહેરા પણ હવે તમે ધ્યાન જોશો તો તમને ખ્યાલ આવશે તેમના મનમાં રહેલી કડવાશ તેમના ચહેરા ઉપર પણ દેખાશે. કેટલાંક લોકો દેખાવે સુંદર હોતા નથી પણ તેમના મનમાં કડવાશ નહીં હોવાને કારણે તેમને જોતા જ તમારા મનમાં એક વર્ણવી શકાય નહીં તેવી શાંતિનો અનુભવ થશે. ચહેરાને સાફ રાખવા માટે મનનું સાફ હોવાનું પણ જરૂરી છે. આવુ મારી સાથે અનેક વખત થયુ છે.

ખાસ કરી જ્યારે હું કોઈ સ્ટોરી લખુ ત્યારે વાંચકો અને મારા નજીકના ગણાતા મિત્રો પણ તકલીફ પડે તેવી ટીકા કરતા હોય છે. ત્યારે દુખ થવુ સ્વભાવીક છે. હું આ વખતે મારી સાથે વાત કરૂ છું, હું જે કંઈ લખુ છું તે કોઈને દુખી કરવા માટે લખતો નથી છતાં કોઈકને કોઈક કારણસર ઠેસ પહોંચી છે અને તેના કારણે તેમણે તારી ટીકા કરી છે. સોશિયલ મીડિયાના યુગમાં તમને સામ-સામે હિસાબ પુરો કરી લેવાની પુરતી તક મળે છે, પણ આપણે કોની સાથે અને ક્યો હિસાબ પુરો કરવાનો છે તે જાતને પુછવુ પડશે. કોઈ મને ગાળ આપે એટલે મારે તરત બદલા સ્વરૂપે તેને ગાળ આપવી અને ગાળ આપી શકુ નહીં ત્યારે ક્યારે ગાળ આપી શકીશ તેના વિચારોમાં અટવાયેલા રહેવુ. મનને રોજ ખંખેરી નાખવુ પડે છે. મનમાં રહેલી કડવાશ આપણને જીવવા દેશે નહીં.