પ્રશાંત દયાળ  (મેરાન્યૂઝ, અમદાવાદ): ગુજરાતમાં સામાન્ય ધંધો કરવો હોય તો સરકારી તંત્ર તમને પરેશાન કરી નાખે પણ જો દારૂનો ધંધો કરવો હોય તો તેના માટે તમને મદદ કરવાવાળા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તમામ વ્યવસ્થા કરી આપે છે તેનું નવસારી ઘટના ઉત્તમ ઉદાહરણ છે. નવસારીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની મહેરબાની અને મદદને કારણે વિદેશી દારૂનો મોટો કારોબાર ચાલી રહ્યો છે તેવી જાણકારી મળતા ડીજીપી શીવાનંદ ઝા દ્વારા પોતાના મોનીટરીંગ સેલને દરોડો પાડવાની સુચના આપવામાં આવી હતી. આ દરોડાની કાર્યવાહી દરમિયાન બુટલેગરો દ્વારા પોલીસને જ કચડી નાખવાનો પ્રયાસ થતાં PSI કે. એન. લાઠીયાને ગોળીબાર કરવાની ફરજ પડી હતી.  જેમાં ભાવેશ રાઠોડ નામનો બુટલેગર ઘવાયો હતો. પરંતુ ચોર કોટવાલને દંડે તેવો ઘાટ થયો છે. ભાવેશના પરિવાર દ્વારા સુરત કોર્ટમાં અરજી કરવામાં આવી છે કે ભાવેશ મોર્નિંગ વૉકમાં જતો હતો ત્યારે પોલીસે તેને ગોળી મારી હતી. મોનીટરીગ સ્ટાફ સામે આ પ્રકારની બુટલેગર દ્વારા ફરિયાદ કરાવવા પાછળ પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓની જ સુચના હોવાની જાણકારી મળી છે.

ડીજીપીના આદેશ પછી દક્ષિણ ગુજરાતના લીકર સપ્લાયર વિનોદ ભૈયાનો દારૂ ઝડપી લેવા મોનટરીંગ સેલના પીએસઆઈ લાઠીયાએ રેડ કરી ત્યારે ભાવેશ રાઠોડને ગોળી વાગી હતી, જયારે પોલીસે ભાવેશ રાઠોડની સારવાર દરમિયાન હોસ્પિટલમાં પૂછપરછ કરી ત્યારે તે વિનોદ ભૈયા માટે કામ કરતો હોવાની કબુલાત પણ કરી હતી. પોલીસે વિનોદ ભૈયા અને ભાવેશ રાઠોડના સંબંધો સ્થાપિત કરવા માટે તેમના સીડીઆર પણ મેળવ્યા હતા. આ મામલે ભાવેશ રાઠોડ સામે ગુનો પણ નોંધ્યો હતો. પરંતુ પોતાના તાબા વિસ્તારમાં મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પડતા કેટલાંક પ્રામાણિક હોવાનો દેખાવ કરતા પોલીસ અધિકારીઓ દુખી થયા હતા અને તેમણે ભાવેશને મોનીટરીંગ સેલ સામે ફરિયાદ કરવા તૈયાર કર્યો હતો.

ભાવેશ રાઠોડના પરિવાર દ્વારા સુરત કોર્ટમાં કરવામાં આવેલી અરજી પ્રમાણે બનાવના દિવસે બુટલેગર ભાવેશ સવારે ચાર વાગ્યે કાર લઈ નિકળ્યો હતો, તે મોર્નિંગ વોકના સ્થળે પહોંચે તે પહેલા એક સ્કોર્પીયો કાર ઝડપથી ટક્કર મારી નિકળી ગઈ હતી. આથી ભાવેશે કાર ચાલકને ઠપકો આપવા માટે તેનો પીછો કર્યો હતો. આ સ્કોર્પીયો કાર બાદમાં એક ખુલ્લા ખેતર પાસે ઉભી રહી હતી. ભાવેશ તેમને ઠપકો આપવા નીચે ઉતર્યો તેની સાથે પોલીસવાળા તેની ઉપર તુટી પડ્યા હતા અને પીએસઆઈએ તેની ઉપર ગોળી ચલાવી હતી. આથી ભાવેશ જીવ બચાવવા ભાગ્યો હતો અને બાદમાં તે ખાનગી દવાખાનામાં સારવાર માટે પહોંચ્યો હતો.

અરજીમાં માગણી કરવામાં આવી છે કે પીએસઆઈ લાઠીયા અને તેમના સ્ટાફ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવે. આ અરજી સુરતના જ એક સિનિયર પોલીસ અધિકારીની સુચનાથી ભાવેશ રાઠોડ દ્વારા કરવામાં આવી હોવાની ચર્ચા છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદના કુખ્યાત બુટલેગર કમલેશ ભૈયાના અડ્ડ ઉપર તત્કાલીન ડીસીપી નિર્લિપ્ત રાયે દરોડો પાડ્યો ત્યારે પણ નિર્લિપ્ત રાય સામે પણ આ પ્રકારની ફરિયાદ કમલેશ ભૈયા પાસે કરાવવામાં આવી હતી.