હું પ્રશાંત દયાળ, (ભાગ-1): 1989નું વર્ષ હતું. હું સવારના દસ વાગ્યે અમદાવાદના ખાનપુરના જેપી ચોકમાં પહોંચ્યો. અગાઉ અહિંયા અનેક વખત આવ્યો હતો, પણ ત્યારે હું ગેરેજમાં નોકરી કરતો હોવાને કારણે ગ્રાહકના સ્કૂટરના જરૂરી પાર્ટ્સ ખરીદવા અને સ્કૂટરની એસેસરીઝ ખરીદવા આવતો હતો. જો કે આજે રોજ કરતા મારા હ્રદયના ધબકારા વધુ ઝડપી ચાલતા હતા. તેનું કારણ મનમાં ચાલતી ઘમાસાણ જવાબદાર હતી. આશ્રમરોડથી નહેરૂબ્રીજ ઉતરી ડાબી તરફ રસ્તો વળે ત્યાંથી થોડું આગળ જાવ એટલે પાછો ડાબી બાજુ રસ્તો વળે નાકા ઉપર એર ઇન્ડિયાની ઓફિસ છે. બાજુમાં ત્યારે રૂપાલી સિનેમા પણ હતી. જો કે હવે રૂપાલી સિનેમા તુટી એક કોમર્શિયલ કોમ્પલેક્ષ બની ગયુ છે. એર ઇન્ડિયાથી હું ડાબી તરફ વળ્યો, મેં મારૂ સ્કૂટર રોક્યુ, મેં એક માણસને પુછ્યુ ભાઈ સમભાવ પ્રેસ ક્યાં આવ્યુ, તેણે મારી સામે જોયા વગર આગળ તરફ ઈશારો કરી ડાબી તરફ વળી જવાનું કહ્યુ મેં મારૂ સ્કૂટર ગીયરમાં નાખ્યુ અને માંડ દસ મીટર આગળ જ આવ્યો ત્યાં મે મારી ડાબી તરફ બોર્ડ વાંચ્યુ તેની ઉપર ગનહાઉસ લખ્યુ હતું. બસ આ જ સરનામુ હતું. મેં સ્કૂટર પાર્ક કર્યુ. મેં ખાદીને લેંઘો ઝભ્ભો પહેર્યા હતા. મેં ડેકીમાંથી મારો થેલો કાઢ્યો ત્યારે સ્કૂટરનો ઉલ્લેખ થાય એટલે માત્ર બજાજ સ્કૂટર જ હતા. જેમની પાસે થોડા પૈસા ઓછા હોય તે લેમરેટે અથવા ફાલ્કન જેવા સ્કૂટર વાપરતા હતા. મારા માતા-પિતા બંન્ને સરકારી અમલદાર હતા, તેઓ બસમાં જ નોકરીએ જતા હતા પણ મારા આગ્રહ અને જીદને કારણે તેમણે મને સ્કૂટર લઈ આપ્યુ હતું. થેલામાં હાથ નાખી બધા કાગળો અને પ્રમાણપત્ર બરાબર છે કે નહીં તે તપાસ્યા. જો કે આ કાગળો લઈ હું છેલ્લાં અઠવાડિયાથી ફરતો હતો પણ કોઈ મારા કાગળો જોવા સુદ્ધા તૈયાર ન્હોતા.

મને ક્યાંય સમભાવનું બોર્ડ દેખાયુ નહીં. અંદર એક સાંકડી ગલી જતી હતી. એક જ કાર જઈ શકે તેવી જગ્યામાં મેં ત્યાં એક માણસને બેઠેલો જોયો, તેના પહેરવેશથી તે મુસ્લિમ જેવો લાગતો હતો. ગલીમાં પણ મુસ્લિમ સ્ત્રીઓની અવરજવર હતી. ત્યારે મને પહેલી વખત ખબર પડી કે આ તો મુસ્લિમ મહોલ્લો જ છે. જો કે આપણે કેટલા ટકા તેમ કહી મેં મગજમાં દોડી આવતા બીજા વિચારોને ખંખેરી નાખ્યા. મેં પેલા માણસને પુછ્યુ ભાઈ સમભાવ જાના હૈ, તેણે મને હાથનો ઈશારો કરી ગલીમાં જવાનું કહ્યુ, માંડ પાંચ ડગલા ચાલ્યો ત્યાં જ મેં સમભાવનું બોર્ડ જોયુ. કદાચ ગનહાઉસના બિલ્ડિંગનો જ તે ભાગ હતો. હું એક નાનકડા દરવાજામાં દાખલ થયો સામે બે લાકડાની નાની ચેમ્બર હતી, સાવ નાની હતી તેવુ અંદર ગયા વગર પણ ખબર પડે તેવી હતી. ચેમ્બર બહાર એક યુવાન સ્ટૂલ ઉપર બેઠો હતો. મેં સંકોચ સાથે તેને પુછ્યુ મારે ભુપતભાઈ વડોદરીયાને મળવુ છે. તે મારી કરતા ઉંમરમાં કદાચ એકાદ-બે વર્ષ જ નાનો હતો.તેમ છતાં તેણે મને ઉપરથી નીચે સુધી જોયો, મને તેનું આ રીતે જોવુ ગમ્યુ ન્હોતુ. તેણે મને પુછ્યુ શુ નામ છે? મેં કહ્યુ પ્રશાંત દયાળ. તે ઉભો થયો, ચેમ્બરમાં અંદર ગયો, ચેમ્બરનો દરવાજો ખુલતા મને એક એકદ સફેદ રંગના ઝભ્ભો લેંઘો પહેરેલી વ્યક્તિ દેખાઈ, ગોરો રંગ અને ચહેરા ઉપર એક સૌમ્યતા હતી. કદાચ તે જ ભુપત વડોદરીયા હશે, પેલો યુવકે મારૂ નામ આપી હું મળવા માગુ છે તેની જાણકારી આપી. પેલી વ્યક્તિએ મારી સામે જોયુ પેલા યુવકને જવાબ આપવાને બદલે તેમણે મને હાથનો ઈશારો કરી અંદર આવવા કહ્યુ. પેલો યુવક બહાર નિકળે તો હું ચેમ્બરમાં દાખલ થઈ શકુ એટલી જ જગ્યા હતી. પેલો યુવક બહાર નિકળ્યો, હું અંદર ગયો તેમણે મને બેસવાનો ઈશારો કર્યો.

ટેબલની એક તરફ એક ખુરશી અને બીજી તરફ એક ખુરશી સમાય એટલી જ જગ્યા હતી. તે ભુપત વડોદરીયા જ હતા. તેમણે એકદમ ધીમા અવાજે પુછ્યુ બોલો. મેં કહ્યુ સર હું પ્રશાંત દયાળ છું, મેં ભવન્સમાંથી જર્નાલીઝમ કર્યુ છે, મારે નોકરી જોઈએ છે, તેમ કહેતા મે મારા થેલામાં રહેલા પ્રમાણપત્ર બહાર કાઢવા થેલામાં હાથ નાખ્યો, પણ તે પહેલા મને ભુપતભાઈનો અવાજ સંભળાયો. ભાઈ પહેલા ક્યાં કામ કરતા હતા? મે થેલામાંથી હાથ બહાર કાઢ્યો અને દુખ અને સંકોચ સાથે કહ્યું સાહેબ મેં જર્નાલીઝમ કર્યા પછી એક મહિનો સંદેશમાં ઈન્ટર્નશીપ કરી, નોકરી ક્યાંય કરી નથી. ભુપતભાઈના ચહેરા ઉપર હાવભાવ બદલાયા. તેમણે એક ક્ષણ વિચાર કરીને કહ્યુ અરજી લાવ્યા હોવ તો આપી જાવ, હમણાં જગ્યા નથી, જગ્યા પડશે તો તમને બોલાવીશ. હું શુ કહું? હું દુખી થઈ ગયો, કંઈ બોલી શક્યો નહીં. મને કોઈ પત્રકાર પણ ઓળખતા ન્હોતા. ખરેખર તો મને હજી પત્રકારત્વ પણ સમજાયુ ન્હોતુ અને મારી સમસ્યા એવી હતી કે હું પત્રકારત્વમાં દાખલ પણ કેવી રીતે થઈશ તેની પણ ખબર પડતી ન્હોતી. મેં કહ્યુ સાહેબ અરજી તો લાવ્યો નથી, તેમણે તરત કહ્યુ કંઈ વાંધો નહીં, બહાર બેસી અરજી લખી નાખો અને મારો પ્યુન બેઠો છે તેને અરજી આપી દેજો. હું સારૂ કહુ તે પહેલા તેમણે બેલ માર્યો. પેલો યુવક તરત અંદર આવ્યો. તેમણે કહ્યુ ભરત આ ભાઈને અરજી લખવા એક કાગળ આપજે. પેલા યુવકનું નામ ભરત હતું. 

હું ભરતની સાથે બહાર આવ્યો, તે ચેમ્બરમાંથી બહાર નિકળી એક સાંકડી ગલી જેવા રસ્તામાંથી ઓફિસમાં ગયો અને તરત કોરો કાગળ લઈ બહાર આવ્યો. કાગળ હાથમાં લઈ હું ઉભો રહ્યો, ક્યાં અરજી લખવા બેસુ તેવો વિચાર કરતો હતો. ભરતનું જે સ્ટૂલ હતું તેની પાસે લાકડાનો એક બાકડો હતો. એકદમ જૂનો અને ખખડધજ. ભરત મારી સમસ્યા સમજી ગયો. તેણે બાકડા તરફ ઈશારો કરતા કહ્યું અહિંયા બેસી લખી નાખો. હું બાકડા ઉપર બેઠો, તેની સાથે બાકડો જાણે પોતાની ઉંમરનું ભાન કરાવતો હોય તેમ હલી ગયો. મેં ત્યાં વાંકા વળી બાકડા ઉપર મારી અરજી લખી. અરજી લખી મેં ભરતને અરજી આપી કહ્યુ, સાહેબને આપી દેજો. ભરતને અરજી આપતી વખતે જાણે ભરત જ મને નોકરી આપવાનો હોય તેવુ લાગ્યુ. તેણે હા પાડી, મને મનમાં થયુ કે ભરત અરજી આપશે કે નહીં, પણ મારી પાસે ભરત ઉપર ભરોસો કરવા સિવાય કોઈ વિકલ્પ પણ ન્હોતો. હું સમભાવની બહાર આવ્યો. આ મારી ચોથી અને આખરી ઓફિસ હતી જ્યાં પણ મને નિરાશા સાપડી હતી. ત્યારે અમદાવાદમાં માત્ર ચાર જ અખબારમાં હતા જેમાં ગુજરાત, સંદેશ અને જનસત્તા તે જમાનાના મોટા અખબાર હતા. સમભાવ સૌથી નાનુ અખબાર હતું. મને ભુપતભાઈની જેમ બધા જ તંત્રીઓએ પુછ્યું હતું કે અનુભવ છે? પણ મને કોઈ નોકરી જ આપે નહીં તો અનુભવ કેવી રીતે મળશે? હું શું કરૂ તે વિચારમાં હતો. નિરાશા વચ્ચે મને એક નામ યાદ આવ્યુ, મિલીંદ માંકડ સર, તેઓ સંદેશમાં હતા. હું સંદેશમાં એક મહિના માટે ગયો ત્યારે મારો પરિચય તેમની સાથે થયો હતો. મને આખા સંદેશ પ્રેસમાં કોઈ સૌમ્ય અને સજ્જન લાગ્યો હોય તો મિલીંદ માંકડ હતા. મારા જેવા જર્નાલીઝમના સ્ટુડન્ટ સાથે પણ બહુ સારો વ્યવહાર કરતા હતા. ત્યારે સારો વ્યવહાર કરનાર બહુ ઓછા હતા. હું મિલીંદ માંકડને મળવા નિકળ્યો કદાચ તેઓ મને કોઈ રસ્તો બતાડે.

 (ક્રમશ:)