મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે મંગળવારે પ્રથમ બેઠકમાં સસ્પેન્ડ કરાયેલા વિરોધ પક્ષ કોંગ્રેસના ૨૯ ધારાસભ્યોને બીજી બેઠકમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ઠપકો આપી તમામનું સસ્પેન્શન રદ કર્યું હતું. આ વખતે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહના સુચારુ સંચાલન માટે જણાવ્યું હતું કે, બધા જ ધારાસભ્યો મોરના પીંછા છે...જ્યારે પોતે પીંછા વગરના મોર છે...આથી બધા ધારાસભ્યોના સહયોગથી જ ગૃહનું ગૌરવ વધશે.

ગુજરાત વિધાનસભાની સમય ફેરફાર સાથે આજે સવારે મળેલી પ્રથમ બેઠકમાં કૃષિ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો કૃષિ મંત્રી આર.સી.ફળદુ જવાબ આપી રહ્યા હતા. આ વખતે મંત્રીએ કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમ્મરના નામનો ઉલ્લેખ કરતા તેઓ ઉભા થઇ ગયા હતા. જેમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા તેમને બેસી જવા ઘણીવાર કહેવામાં આવ્યું હતું. પરંતુ તે નહિ બેસતા અધ્યક્ષે તેમને સસ્પેન્ડ કર્યા હતા. આથી વિરોધ પક્ષના તમામ સભ્યોએ ઉભા થઇ તેનો ઉગ્ર વિરોધ કરી હોબાળો મચાવી દીધો હતો. ભારે દેખાવો સાથે કોંગ્રેસી સભ્યોએ સુત્રોચ્ચાર કરવા સાથે ચાર સભ્યો વેલમાં આવીને બેસી ગયા હતા. આ સભ્યોને સાર્જન્ટ ધ્વારા ટીંગાટોળી કરી બહાર લઇ જવામાં આવ્યા હતા. આ સાથે અધ્યક્ષે નેમ કરી કોંગ્રેસના ૨૯ સભ્યોને આજના દિવસ માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. જ્યારે બાકીના સભ્યો વોકઆઉટ કરી ગયા હતા.

આ પછી મળેલી બીજી બેઠકમાં પ્રશ્નોત્તરીના એક કલાકનો વિરોધ પક્ષ કોંગ્રેસ ધ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રશ્નોત્તરી બાદ ગૃહમાં આવેલા કોંગ્રેસના દંડક અમિત ચાવડાએ તેમના ધારાસભ્યોની ભૂલ સ્વીકારી દિલગીરી વ્યક્ત કરી હતી. જેમાં સંસદીય બાબતોના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ માફ કરી સસ્પેન્સન રદ કરવા વિનતી કરી હતી. આ વખતે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસી સભ્યોને ૧૪ વાર બેસી જવાનું કહેવા છતાં વેલમાં આવી ગયા હતા. આમ છતાં બંને પક્ષે મોટું મન રાખ્યું છે. પરંતુ આ ચેરનો પણ વિચાર કરવો જોઈએ..આવા વલણના કારણે મને રાતે ઊંઘ પણ આવતી નથી. તેમણે તમામ ધારાસભ્યો મોરના પીંછા અને પોતે મોર હોવાનું જણાવી ગૃહના સુચારુ સંચાલન માટે સહયોગ આપવાનું કહી આ ધારાસભ્યોને ઠપકો આપી તમામનું સસ્પેન્સન રદ કરવાની જાહેરાત કરી હતી.