મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ પીએનબી ફ્રોડનો મુખ્ય આરોપી મેહુલ ચોક્સીએ ભારત ન આવવાનું નવું બહાનું બનાવ્યું છે. તેણે કહ્યું કે, તે ત્રણ મહિના સુધી ભારત નહીં આવી શકે. તેના વકીલે મુંબઈની એક કોર્ટને કહ્યું કે, ચોક્સી યાત્રા કરવા માટે પુરી રીતે સ્વસ્થ નથી. ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટએ કોર્ટ પાસે ચોક્સીને ભાગેડૂ આર્થિક આરોપી તરીકે જાહેર કરવા અરજ કરી હતી. સુનાવણી દરમિયાન વકીલે સાફ કહ્યું કે ચોક્સી સ્વસ્થ નથી તેથી તેમનું નિવેદન વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રેકોર્ડ કરવામાં આવે અથ્વા ઈડીના અધિકારી એંટીગા જઈને નિવેદન રેકોર્ડ કરે.

વકીલે વધુમાં કહ્યું કે, આવું ન થાય તો પછી ત્રણ મહિના રાહ જોવો, જો તેમની તબીયત સુધરી જાય છે તો તે પોતાનું નિવેદન નોંધાવવા માટે આવશે. સમાચાર એજન્સી એએનઆઈએ શનિવારે એક રિપોર્ટમાં આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓક્ટોબરમાં ઈડીએ 13000 કરોડના લોન ફ્રોડ કેસમાં તપાસ દરમિયાન 218 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં હિરા અને વિદેશમાં ફ્લેટ શામેલ છે.

કેન્દ્રીય તપાસ એજન્સીના મુંબઈ સ્થિત ક્ષેત્રીય કાર્યાલય તરફથી પીએમએલએ અંતર્ગત સંપત્તિઓને ટાંચ કરવા માટે ત્રણ પ્રોવિઝનલ ઓર્ડર્સ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે ચોક્સીના પ્રત્યાર્પણ માટે ભારતીય એજન્સીઓ વિભિન્ન વિકલ્પો માટે કામ કરી રહી છે. સપ્ટેમ્બરમાં એંટીગા અને બારબુડાના વિદેશ મંત્રીએ સુષ્મા સ્વરાજને આશ્વાસન આપ્યું હતું કે ત્યાંની સરકાર આ મામલામાં પુરો સહયોગ આપશે.

ભારત તરફથી ચોક્સીના પ્રત્યાર્પણ માટે બે અલગ અનુરોધ કરવામાં આવ્યા છે. એક સીબીઆઈ અને બીજું ઓગસ્ટમાં ઈડી તરફથી અનુરોધ મોકલવામાં આવ્યો હતો. કહેવાઈ રહ્યું છે કે હિરાના વેપારીએ એંટીગાની નાગરિક્તા હાંસલ કરી છે, જેનાથી તે પોતાના કારોબારને આ કેરેબિઆઈ દેશમાં વધારી શકે સાથે જ તેમે 130થી વધુ દેશોમાં બેરોકટોક આવવા જવાની આઝાદી મળી શકે.

એંટીગામાં મેહુલના વકીલે એક નિવેદનમાં કહ્યું હતું કે, તેમના ક્લાઈન્ટ કાયદાકીય પ્રક્રિયા કરતા એંટીગા અને બારબુડાના નાગરિક તરીકે રજીસ્ટર થયા છે. નીરવ મોદી સાથે મેહુલ ચોક્સી અને તેમના પરિવારના ઘણા સદસ્ય 12,636 કરોડ રૂપિયાના પીએનબી ફ્રોડમાં આરોપી છે. આ મામલો ગત વર્ષે ચર્ચામાં આવ્યો હતો. ચોક્સી હવે દેશથી બહાર છે. તેની તરફથી સતત કહેવાય છે કે ભારત પાછા આવવા પર તેના માથે જીવનું જોખમ બની શકે છે.