મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ત્રણેક દિવસ પહેલા વીંછીયામાં ઓફસેટના વેપારી પર ફાયરિંગ થયાની ઘટના બની હતી. જેને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા બંધ પાળીને રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. તેમજ તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડી સજા કરવાની માંગ કરવામાં આવી હતી. આ મુદ્દે આજરોજ કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને પૂર્વ સંસદીય સચિવ શામજી ચૌહાણ તેમજ પૂર્વ ધારાસભ્ય ભોળા ગોહિલ, ભરત બોધરા, અને લાલજી મેર સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા.

આ તકે વીંછીયાના નવા બસ સ્ટેન્ડમાં કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવાળીયાએ જણાવ્યું હતું કે, પોતાના વિસ્તાર અને સમાજના લોકો માટે જ તેમણે હોદ્દાનો સ્વીકાર કર્યો છે. પોતાને હોદ્દાનો કોઈ મોહ નથી. સમાજ અને મતદારોના વિકાસ માટે આવતીકાલે હોદ્દો છોડવો પડે તો તે માટે પણ પોતે તૈયાર હોવાનું પણ તેમણે કહ્યું હતું. ઉપરાંત ફાયરિંગ મામલે સંડોવાયેલા લોકોને તાત્કાલિક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી પણ તેમણે આપી હતી. બીજીતરફ પૂર્વ સંસદીય સચિવ શામજી ચૌહાણે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનું કહ્યું હતું.