મેરાન્યૂઝ નેટવર્ક, વારાણસી: ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીઓમાં પરાજય માટે મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથને જવાબદાર ઠેરવતા કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે ભાજપ છોડવાના સંકેત આપ્યા છે. લાંબા સમયથી ઉત્તર પ્રદેશ સરકારથી નારાજ રાજભરે ઇશારાઓમાં આ સંકેત આપ્યો.

પત્રકારોએ જ્યારે તેમને સવાલ કર્યો કે ભાજપ સાથે ક્યાં સુધી ગઠબંધન રાખશો? જેના જવાબમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે કહ્યું ક હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે. ભાજપ જ્યાં સુધી હાંકી ન કાઢે ત્યા સુધી ગઠબંધન રહેશે. ગરમી ખૂબ જ વધી રહી છે અને આગામી દિવસોમાં મોટુ તોફાન આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા શનિવારે ઓમ પ્રકાશ રાજભરે ઉત્તર પ્રદેશની યોગી સરકારના કામકાજ પ્રત્યે નારાગી વ્યક્ત કરતા કહ્યું કે તેમના ગામમાં લગભગ 6 મહિના પહેલા 500 મીટર રોડ બનાવવા માટે પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ આજ સુધી રોડ ન બન્યો અને જાતે જ પાવડો લઇને રસ્તો બનાવવાની કામગીરી કરવી પડી. યોગ દિવસના પ્રસંગે પણ તેઓ યોગી સરકારના કાર્યક્રમમાં સામેલ થયા ન હતા અને આ અંગે કહ્યું હતું કે યોગ કરવા કરતા પણ વધુ મહત્વના કામ મારી પાસે છે.