મેરાન્યૂઝ નેટવર્ક, હૈદરાબાદ: મક્કા મસ્જિદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપ્યાના કેટલાક કલાક બાદ રાજીનામુ આપનારા જસ્ટિસ કે. રવિન્દ્ર રેડ્ડીએ હવે ભાજપમાં જોડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રેડ્ડીના આ નિવેદન દરમિયાન તેલંગણાના ભાજપ મુખ્ય કાર્યાલયમાં તેમના સ્વાગત માટે બેનર લગાવવામાં આવ્યા છે. એવી પણ ચર્ચા છે કે રેડ્ડી ગત ગુરુવારે ભાજપના સભ્ય બનવાના હતા પરંતુ આ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે વિશેષ આતંકવાદ વિરોધી અદાલતના તત્કાલિન જજ રવિન્દ્ર રેડ્ડીએ આ વર્ષે 16 એપ્રિલના રોજ મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં સ્વામી અસીમાનંદ અને અન્ય ચારને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદો આપ્યા બાદ જજ રેડ્ડીએ રાજીનામુ આપી દીધુ હતુ અને હવે તેમણે ભાજપમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

શુક્રવારે એક પત્રકાર પરિષદમાં પૂર્વ જજ રેડ્ડીએ કહ્યું હતું કે તેમનો ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ હાલ સ્થગિત કરવામાં આવ્યો છે. પૂર્વ કેન્દ્રિય મંત્રી અને સિકંદરાબાદના સાંસદ બંડારુ દત્રાત્રેયએ મારુ સન્માન કરવા માટે મને પાર્ટીમાં સામેલ થવા આમંત્રિત કર્યો છે. હું પણ ભાજપમાં જોવા માગુ છે કારણ કે ભાજપ દેશહિત માટે વિચારનાર એકમાત્ર પક્ષ છે. ભાજપમાં પરિવારવાદ નથી. તાજેતરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.