મેરાન્યૂઝ નેટવર્ક, હૈદરાબાદ: આંધ્ર પ્રદેશના હૈદરાબાદ સ્થિત ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ)માં પસંદગી પામ્યા બાદ નોકરી માટે જરૂરી પરીક્ષા આપવા પહોંચેલા 122 ટ્રેઇની ઓફિસર્સમાંથી 119 જરૂરી પરીક્ષામાં ફેલ થયા. હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ પોલીસ એકેડમીમાંથી ગ્રેજ્યુએશન દરમિયાન આ ભાવી અધિકારીઓ માટે આ પરીક્ષામાં પાસ થવુ જરૂરી હોય છે. આ ટ્રેઇની અધિકારીઓને પાસ થવા માટે ત્રણ પ્રયાસ આપવામાં આવશે. પરંતુ આ પરીણામો ચોંકાવનારા છે.

નાપાસ થયા બાદ પણ હાલ તેમને ગ્રેજ્યુએટ જાહેર કરવામાં આવ્યા છે અને જુદીજુદી કેડર્સમાં પ્રોબેશનર બનાવવામાં આવ્યા છે. પરંતુ ત્રણ પ્રયાસમાં દરેક સબજેક્ટ પાસ ન કરી શકવાની સ્થિતિમાં તેમને આઇપીએસની નોકરીમાંથી બરતરફ કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 2016માં માત્ર બે આઇપીએસ ઓફિસર એકેડમીમાં પાસ થઇ શક્યા ન હતા. આ વર્ષે ફોરેન પોલીસ ફોર્સને મળીને કુલ 136 આઇપીએસ અધિકારીઓમાંથી 133 એક અથવા તો તેથી વધુ વિષયમા ફેલ થયા છે. જેમાં ઇન્ડિયન પીનલ કોડ એટલે કે ભારતીય દંડ સંહિતા અને ક્રિમિનલ પ્રોસીજર કોડ (દંડ પ્રક્રિયા સંહિતા) વિષય સામેલ છે.

ચોંકાવનારી વાત તો એ છે કે આ પરીક્ષામાં નાપાસ થનારા અધિકારીઓમાં તે ઓફિસર્સ પણ સામેલ છે જેમને ગત ઓક્ટોબર મહિનામાં પાસિંગ આઉટ પરેડમાં મેડલ અને ટ્રોફી મળ્યા હતા. ફોરેન પોલીસ ફોર્સના બધા અધિકારીઓ ફેલ થયા છે. એક પ્રોબેશનરે જણાવ્યું કે અધિકારીઓ ફરી એક વખત પરીક્ષા આપશે. એકેડમીના ઇતિહાસમાં પ્રથમ વખત એવુ બન્યુ છે કે આટલા બધા અધિકારીઓ નાપાસ થયા હોય.

રિપોર્ટ અનુસાર 90 ટકા પ્રોબેશનર્સ એક કે તેથી વધુ વિષયમાં ફેલ થયા છે. માત્ર 2 થી 3 પ્રોબેશનર્સ બધા વિષયમાં પાસ થયા છે. મોટા ભાગના ટ્રેઇની અધિકારીઓ લૉ એન્ડ ઓર્ડર, આંતરિક સુરક્ષામાં નાપાસ થયા છે. ટ્રેનિંગમાં મળેલા માર્ક્સ સિનિયોરિટીમાં જોડાવામાં આવે છે. નાપાસ થનારની સિનિયોરિટી ઘટે છે. એકેડમીના એક અધિકારીના જણાવ્યા અનુસાર ઓફિસર્સને નાપાસ થયા બાદ પણ ગ્રેજ્યુએટ થયા કે ફિલ્ડ પર પોસ્ટિંગ મળવાથી રોકી ન શકાય.