મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના હજીરા વિસ્તારમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નેપ્થા ક્રેકીંગ પ્લાન્ટમાં મંગળવારે રાત્રે આગ ફાટી નીકળતા ધૂમાડાના ગોટે ગોટે નીકળતા આજુબાજુના ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાયો  હતો. નેપ્થા ક્રેકરના મોટા ભાગના પ્લાન્ટ શટડાઉન કરી દેવાયા હતા. જો કે બુધવારે સવાર સુધીમાં હજુ બે પ્લાન્ટ શટડાઉન છે અને તેને શરૂ કરવાની પ્રોસેસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. રિલાયન્સના પ્રવકતાનું કહેવું હતુ કે પ્લાન્ટમાં કોઇ ખામી ઊભી થતા ફલેર બહાર કાઢવી પડી હતી પણ ચિંતાજનક કોઇ બાબત નથી. બધું નોર્મલ થઇ ચૂક્યું છે.

હજીરામાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં નેપ્થા ક્રેકરનો પ્લાન્ટ આવેલો છે. મંગળવારે  પ્લાન્ટમાં કોઇ ખામી ઊભી થતા ચિમનીમાંથી મોટી આગની અગનજવાળા અને ધૂમાડાના ગોટે ગોટે દેખાવાના શરૂ થતા ગામલોકોના જીવ પડીકે બંધાયા હતા. રિલાયન્સના પ્રવકતાએ કહ્યું હતું કે નેપ્થા ક્રેકર પ્લાન્ટમાં ખામી ઊભી થતા તેની વરાળને બીજી ચિમની મારફતે બહાર કાઢવાની હોય છે. જે વરાળ નીકળી હોય તેને બાળી નાખવાની એક પ્રોસેસ હોય છે. એટલે સામાન્ય જવાળા દેખાતી હતી. કેટલાંક પ્લાન્ટ બંધ હતા તે શરૂ કરી દેવામાં આવ્યા છે, હજુ બે પ્લાન્ટ શટડાઉન છે જે શરૂ કરવાની પ્રોસેસ ચાલી રહી છે.