પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): પહેલા અખબારમાં કોઈ ઘટના અથવા સમાચાર ત્યારે વાંચક તે સમાચાર વાંચી લેતા હતો. પ્રસિધ્ધ થયેલા સમાચાર સાથે વાંચક સંમત્ત અને ના સંમત્ત થતો હતો અને તે વાંચકનો  કાયમી અધિકાર પણ છે. હું તે સમયની વાત કરૂ છુ કે જયારે સોશીયલ મિડીયાનું આગમન થયુ ન્હોતુ, વાંચક પોતાને ગમતા અને નહીં ગમેલા સમાચાર અંગે ભાગ્યે જ અખબારની કચેરીને પોતાનો પ્રતિભાવ મોકલતો હતો, જો કે ત્યારે અખબારમાં તંત્રીઓ વાંચકોના પત્રો આવે તો રાજી થતાં હતા અને કેટલાંક અખબારો વાંચકોના પત્રો અક્ષરસહ છાપવાની હિમંત કરતા હતા, ત્યારે એક તંદુરસ્ત વાતાવરણ બંન્ને પક્ષે હતું ઘણા વાંચકો અખબારથી નારાજ પણ રહેતા અને પત્ર પણ મોકલતા તેમના પત્રો પણ તે જ અખબારમાં છપાતા પણ હતા.

હવે તો પત્ર લખવાનું ભુલાઈ ગયુ છે. જે પોસ્ટમેન પત્રો લઈ ઘરે ઘરે ફરતો હતો, તેના હાથમાં હવે પત્રોને બદલે મ્યુચયલ ફંડ, બેન્ક સ્ટેટમેન, ઈન્સુયરન્સની નોટીસોએ લઈ લીધુ છે, એટલે માત્ર અખબારમાં જ નહીં હવે પરિવારો પણ સારા માઠા પ્રસંગની વાત પત્રથી લખવાને બદલે ફોન ઉપર  વાત કરી પુરી કરે છે. મુળ વાત સોશીયલ મિડીયાના આગમન બાદ હવ દરેક માણસ પત્રકાર થઈ ગયો છે કારણ તેની પાસે ફોન હોવાને કારણે તે કેમેરામાં કોઈ ઘટનાને કેદ કરે અને થોડુક લખતા આવડતુ હોવાને કારણે તે પોતાનો આનંદ અને નારાજગી વ્યકત કરે છે. આમ સોશીયલ મિડીયાની આ હકારાત્મક બાબત છે. પણ સોશીયલ મિડીયાના આગમન પછી માણસ વાંચતો અને વિચારતો બંધ થઈ ગયો છે તેને સોશીયલ મિડીયામાં જે સાચુ ખોટુ મળે તેના આધારે તે પોતાનો મત બાંધતો થઈ ગયો છે.

દરેકનો મત અલગ હોઈ શકે છે, આપણે જ વાત સાથે આજે સંમત્ત નથી , સંભવ છે કે આપણે તે વાતના હિમાયતી પણ બનીએ, પણ તે માટે આપણે ધીરજ રાખવાની જરૂર છે, નરેન્દ્ર મોદી સામે તમારા એકસો વાંધા હોય તો પણ નરેન્દ્ર મોદી જે કરે છે તે ખોટુ જ છે તેવા અંતિમવાદી થવાની પણ જરૂર નથી અને મને નરેન્દ્ર મોદી ગમતા નથી એટલે રાહુલ ગાંધી શ્રેષ્ઠ છે તેવા મત ઉપર આવવાની પણ જરૂર નથી. તમામ ઘટનાઓનું અલગ મુલ્યાંકન કરવુ પડે અને તેના આધારે કોઈ એક નિર્ણય ઉપર આવવુ પડે, રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીને એક ત્રાજવામાં બેસાડો તો કયુ પલડુ નીચે જાય તે કહેવુ મુશ્કેલ છે કારણ બંન્ને એકબીજાને પહોંચી વળે તેમ છે. પરંતુ ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન 2001થી 2014 સુધી રહ્યુ અને ત્યાર બાદ ગુજરાતની ભાજપ સરકાર જ છે. અને કેન્દ્રમાં 2014 કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બનાવવામાં નરેન્દ્ર મોદીએ યુપીએસ સરકાર સામે માંડેલા મોરચાને સફળ બનાવવામાં મિડીયાનો મોટો રોલ છે.

પત્રકારનું કામ શાસક દ્વારા શાસનમાં થતી ભુલો તરફ ધ્યાન દોરવાનું છે, પત્રકાર પણ સમાજનો હિસ્સો છે તેના કારણે તેના પણ વ્યકિગત ગમા-અણગમા રહેવાના હું માનુ છુ કે તેમાં પણ કોઈને કઈ વાંધો હોવો જોઈએ નહીં શાસનમાં હોય તેની વિરૂધ્ધ લખાય છે અને લખાતુ રહેશે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી એક નવો પ્રવાહ શરૂ થયો છે. જો તમે ભાજપ અથવા નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ લખતો તો સૌથી પહેલા તમારી ઉપર રાષ્ટ્ર વિરોધીનો સિક્કો મારી દેવામાં આવે છે. હવે જેઓ આ પત્રકારને રાષ્ટ્ર વિરોધી કહે છે તેમને પાંચમાં ધોરણમાં ભણતા વિધ્યાર્થી જેટલુ સામાન્ય જ્ઞાન હોવુ જોઈએ કે આપણો  દેશ ભારત છે આપણા દેશનું નામ ભાજપ અથવા નરેન્દ્ર મોદી નથી કેટલાંક ટીકાકારોને જાણે રાષ્ટ્ર પ્રેમી અથવા રાષ્ટ્ર વિરોધીના પ્રમાણપત્ર આપવાની સોલસેલીંગ એજન્સી આપી  હોય તેમ તેઓ સોશીયલ  મિડીયા ઉપર તુટી પડે છે.

જો તમે ભાજપ સરકારને આયનો બતાડવાની ભુલ કરો તો તરત ટીકાકારો પ્રશ્ન પુછે કે નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ લખવાના કોંગ્રેસ તમને પૈસા આપે છે. મનમાં તો થાય તમે બોલો તેવુ થાય પણ ખરેખર તેવુ થતુ નથી, ઘણી વખત એવુ સામા પક્ષે પુછવાનું મન થાય કે કોંગ્રેસ પત્રકારોને પૈસા આપે છે તેવા આરોપ મુકનાર મિત્રોને ભાજપ કેટલા પૈસા આપે છે. મને વ્યકિતગત ખબર છે કે જેઓ ભાજપને પ્રેમ કરે છે તેવા મિત્રોને ભાજપવાળા પણ પૈસા આપતા નથી, પરંતુ સોશીયલ મિડીયા મારફતે આ પ્રકારનો પ્રચાર ખુબ થાય, જેઓ કોંગ્રેસની વાત લખે છે તેઓ દલાલ કહેવાય છે, જેઓ ભાજપ વિરૂધ્ધ લખે તેને ભ્રષ્ટ અને રાષ્ટ્ર વિરોધી ગણાય છે જેઓ ભાજપની તરફેણ કરે તેને રાષ્ટ્રવાદી કહેવાય છે,  આ બધાના પ્રશ્નનો જવાબ તત્કાલ મળે તેમ નથી પણ અમને દલાલ કહેનાર મિત્રોને પ્રાર્થના છે કે અમે કોંગ્રેસ વિરોધ લખી શકીએએ તેવી સ્થિતિ નિર્માણ કરવામાં તમે ઈશ્વરને મદદ કરો.

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ https://www.facebook.com/MeraNewsguj અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં