મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ:  ગુજરાતમાં વધી રહેલા નશીલા પદાર્થના સેવનને ડામવા માટે રાજ્યભરની પોલીસને તાકીદ કરવામાં આવી છે. જેના ભાગ રૂપે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર શંકર ચૌધરીએ પોતાના સ્ટાફને  પણ એલર્ટ  રહેવાની સુચના આપી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર કિરણ ચૌધરી અને જે. એન. ચાવડાને મળેલી બાતમીના આધારે બે અલગ અલગ ટ્રાવેલ્સની બસમાંથી ત્રણ કરોડનું ચરસ પકડી પાડવામાં આવ્યુ છે. આ ચરસ કાશ્મીરી છે. તે રાજસ્થાન થઈ ગુજરાતમાં દાખલ કરવાની યોજના હતી.

ક્રાઈમ બ્રાન્ચના ઈન્સપેક્ટર કિરણ ચૌધરીને જાણકારી મળી હતી કે શ્રીનાથ ટ્રાવેલ્સની બસમાં ચરસનો જથ્થો આવી રહ્યો છે અને તે સૌરાષ્ટ્ર તરફ જવાનો છે. આ માહિતીને આધારે તે પોતાના સ્ટાફ પાસે ઈન્દીરા બ્રીજ પાસે વોચમાં ઉભા હતા ત્યારે શ્રીનાથ ટ્રાવેલ્સની બસ ચેક કરતા તેમા મુસાફરી કરી રહેલા મહિલા શાઈના છીપા નામની મહિલાના ચહેરા ઉપર ડર જેવા મળ્યો હતો. આથી પોલીસે શંકાને આધારે તેની બેગની તપાસ કરતા તેમાથી 12 કિલો 684 ગ્રામ ચરસ મળી આવ્યુ હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિમંત 1.90 કરોડ થાય છે. પકડાયેલી મહિલા રાજસ્થાનનાં ચીત્તોડગઢ રહેવાસી છે.

આ જ પ્રકારે પોલીસ ઈન્સપેક્ટર જે. એન. ચાવડાને જાણકારી મળી હતી કે મુળ રાજસ્થાનનો રહેવાસી કૈલાશ લાંબા મધ્યપ્રદેશના નીમચથી નિકળ્યો છે તેની પાસે જે ચરસનો જથ્થો છે તે ધોળકા આપવા જઈ રહ્યો છે. આ માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ સરદાર પટેલ રીંગ રોડ ઉપર ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન મધ્યપ્રદેશની અજય ટ્રાવેલ્સની બસ આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાં કૈલાશ લાંબા મળી આવ્યો હતો. જેના બેગની ઝડતી કરતા તેમાંથી  9 કિલો 251 ગ્રામ ચરસ મળી આવ્યુ હતું જેની બજાર કિમંત 1.38 કરોડ થાય છે.

આ બંન્ને જુદી જુદી ઘટનામાં સામ્યતા એવી છે પોલીસની નાકાબંધી દરમિયાન તેઓ પકડાઈ જાય નહીં તે માટે તેમને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં જ પ્રવાસ કરવાની સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ચરસના લાડુ બનાવી તેને અખબારમાં લપેટી દેવામાં આવ્યા હતા અને તેની વાસ કોઈને આવે નહીં તે માટે તેની ઉપર સેલો ટેપ મારેલી હતી, જે અખબારમાં ચરસના લાડુ લપેટવામાં આવ્યા હતા તે કાશ્મીરના સ્થાનિક અખબારો હતા. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન અને મધ્યપ્રદેશ ચરસનો જથ્થો કેવી રીતે પહોંચ્યો અને ગુજરાતના જુનાગઢ અને ધોળકામાં કોણ આ જથ્થો લેવાના હતા તેની તપાસ શરૂ કરી છે.