પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્ર પહેલા કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્ને વિધાનસભા બહાર બહુ હોબાળો કર્યો હતો. વિધાનસભાના સત્રમાં પેટ્રોલનો ભાવ અને દેવા માફીના મુદ્દે સાયકલ લઈ વિધાનસભા આવ્યા હતા. પ્રજાને અપેક્ષા હતી કે કોંગ્રેસ આ વખતે વિધાનસભામાં ભાજપને બરાબર ઘેરી લેશે, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે ધારાસભ્યના પગારમાં વધારો કરવાની દરખાસ્ત રજુ કરી માસ્ટક સ્ટ્રોક માર્યો અને કોંગ્રેસ હનીટ્રેપમાં ફસાઈ ગઈ અને તેનો મોંઢા બંધ રાખવા પેટે જાણે પગાર વધારો લીધો હોય તેવી છાપ પ્રજામાં ઊભી થઈ છે. સોશ્યલ મીડિયા ઉપર પણ આ બાબતની ખુબ ટીકા થઈ, જેમાં કોંગ્રેસ ઉપર તો જોક પણ આવ્યા કે સાયકલ ઉપર આવ્યા અને પગાર વધારો લઈ ગયા.

રાજકારણમાં આવનાર બધા જ સેવા કરવા આવે છે તેવા આ વાસ્તવીક ભ્રમમાં આપણે જીવી છીએ. રાજકારણમાં આવનાર તમામ ભ્રષ્ટ જ હોય છે તેવું પણ નથી, જો કે તેમની સંખ્યા નાની છે તે જુદી વાત છે. આ ઉપરાંત રાજકારણમાં માત્ર શ્રીમંતો આવે છે તેવું પણ નથી, હજી ઘણા નેતાની સ્થિતિ સામાન્ય માણસ જેવી જ છે. જેના કારણે પદાધિકારીઓને પગાર મળવો જોઈએ તેમાં બે મત નથી પણ પગાર કેટલો હોય તે એક જુદો પ્રશ્ન છે. પરંતુ જ્યારે આખા રાજ્યમાં મોંધવારી, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે હોબાળો થઈ રહ્યો હતો અને ગુજરાતના ખેડૂતો પાણીની માગણી કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાસે વિરોધ પક્ષ તરીકે પ્રજાનો અવાજ થવાની ઉત્તમ તક હતી.

કોંગ્રેસ ઉપર આરોપ છે કે કોંગ્રેસીઓ ખાલી વિધાનસભા ચાલુ હોય ત્યારે જ દેકારો કરે છે, પણ આખુ વર્ષ તેઓ પ્રજાના પ્રશ્ને કોઈ વાત કરતા નથી, પરંતુ બે જ દિવસીય સત્રમાં તો કોંગ્રેસીઓના મોંઢા જ સીવાઈ ગયા હતા. સત્રના બીજા દિવસે કોંગ્રેસ ગૃહની કામગીરી રોકી સરકારનું ધ્યાન પ્રજાના પ્રશ્નો તરફ દોરશે તેવી અપેક્ષા હતી, પણ સત્રના પ્રારંભમાં ભાજપે ધારાસભ્યનો પ્રજાને તોંતીગ લાગે તેવો પગાર વધારો જાહેર કરતા કોંગ્રેસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. જાણે નાનું બાળકો ચોકલેટની અપેક્ષા રાખતું હોય ત્યારે તેને કોઈ મોંઘી કેટબરી લઈ આપે તેવું કોંગ્રેસીનું થયું હતું. કોંગ્રેસના ધારાસભ્યો પણ પગાર વધારો લે તેની સામે પણ વાંધો હોઈ શકે નહીં.

પણ જ્યારે પગાર વધારાની દરખાસ્ત રજુ થઈ ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસી ધારાસભ્યએ કહેવાની જરૂર હતી, હાલમાં પ્રજા પેટ્રોલના ભાવ વધારા અને ખેડૂતો દેવામાં ડુબી ગયા છે. ત્યારે અમે હાલમાં આ પગાર વધારો લઈ શકીએ નહીં, જ્યાં સુધી પ્રજાની આ માગણીઓ ઉકેલાય નહીં ત્યાં સુધી અમે આ વધારો લઈશુ નહીં. જો કે કોંગ્રેસના નેતાઓ આવો નિર્ણય કર્યો હોત તો ભાજપ ઉપર લોકો થુથુ કરતા અને કોંગ્રેસનું માન પ્રજામાં વધી જતુ પણ પરેશ ધાનાણીએ પોતાના હાથમાં આવેલી તક ગુમાવી અને પ્રજાની નજરમાં લાલચુ સાબીત થયા. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપ-કોંગ્રેસના નેતાને મળનારો આ વધારો ડિસેમ્બર મહિનાથી મળવાનો છે, જેના કારણે તેમનું એરીયર્સ પણ લાખોમાં આવશે.

કોંગ્રેસની આવી મુર્ખતાઓને કારણે તેઓ પ્રજાથી કાયમ દુર જઈ રહ્યા છે, આવી જ સ્થિતિ રહી તો આવનાર એક દસક સુધી કોંગ્રેસે સત્તામાં આવવાના માત્ર સ્વપ્ન જ જોવાનું કામ કરવુ પડશે તેવું લાગી રહ્યું છે.