જયેશ મેવાડા (મેરાન્યૂઝ, ગાંધીનગર): ગુજરાત રાજ્યમાં લોકસભાની ચુંટણી પહેલા ફરી એકવાર પાટીદાર અનામત માટે આંદોલનાત્મક માહોલ સર્જવામાં આવી રહ્યો છે. જેમાં ભાજપ સરકાર તો પહેલેથી જ પાસના કઠેરામાં ઉભેલી છે. પરંતુ પાટીદારોને ૨૦ ટકા અનામત આપવાની વાત કરતી કોંગ્રેસ ધ્વારા નવા જાહેર કરાયેલા સંગઠનમાં માત્ર ૧૨-૧૪ ટકા જ પાટીદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકીય અને સામાજિક રીતે અવઢવમાં રહેલા પાટીદાર સમાજ માટે પ્રશ્ન સર્જાયો છે કે, કોંગ્રેસમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલું પણ સબળ પાટીદાર નેતૃત્વ નહિ હોવાથી કોના ભરોશે અનામત માટે ટેકો આપવો..?

મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને ૧૬ ટકા અનામત આપવાની ભાજપ સરકારે જાહેરાત કરતા જ ગુજરાતમાં ફરી એકવાર પાટીદાર અનામત માટેનું રાજકારણ સક્રિય થઇ ગયું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મહારાષ્ટ્ર ઓબીસી કમિશનના રિપોર્ટનો અભ્યાસ કરવાનું કહ્યું છે. તેના પગલે જ પાસના હાર્દિક પટેલ સહિતના આગેવાનોએ રાજ્ય સરકાર સાથે શીંગડા ભીડાવવાના બદલે ઓબીસી કમીશનની મુલાકાત લઇ ૧૧ પાના ભરીને રજૂઆત કરી છે. આ સાથે પાસ દ્ધારા કોંગ્રેસને પાટીદાર અનામત માટે વાત કરવાનું જણાવ્યું છે. તો પાસ છોડી ભાજપી બનેલા રેશમા પટેલે પણ કોંગ્રેસને પાટીદાર અનામત માટે વિધાનસભામાં બીલ લાવવા વિપક્ષના નેતાને પત્ર લખી નાખ્યો છે.

પાટીદાર અનામત માટે ત્રણ વર્ષથી આંદોલન કરતા પાસ સહીત મોટાભાગનો પાટીદાર સમાજ સામાજિક અને રાજકીય રીતે અવઢવમાં છે. પાટીદાર અનામતના મુદ્દે તેમને ભાજપ સાથે હવે ફાવતું કે ગમતું નથી. જયારે પાટીદારોને ૨૦ ટકા અનામત આપવાની વાત કરતી કોંગ્રેસ દ્ધારા જાહેર કરાયેલા નવા સંગઠનમાં ૧૨-૧૪ ટકા જ પાટીદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે તેમના માટે પ્રશ્ન સર્જાયો છે કે, કોંગ્રેસમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલું પણ સબળ પાટીદાર નેતૃત્વ નહિ હોવાથી કોના ભરોશે અનામત માટે ટેકો આપવો..? કોંગ્રેસના નવા જમ્બો પ્રદેશ માળખામાં ૫૪૬ જેટલા હોદ્દેદારોમાંથી માત્ર ૫૦-૫૨ જેટલા જ પ્રદેશ અગ્રણીઓ છે. જેમાં ૨૨ ઉપપ્રમુખોમાંથી ૪, ૪૩ જનરલ સેક્રેટરીમાંથી ૬, ૧૬૯ સેક્રેટરીમાંથી ૨૫, ૧૧ પ્રવક્તામાંથી ૨ તેમજ ૧૩ પ્રોટોકોલ અને જોઈન્ટ સેક્રેટરીમાંથી માત્ર ૧ પટેલ અગ્રણી છે.

કુલ ૩૦૮ હોદ્દેદારોમાંથી માત્ર ૪૨ જેટલા પટેલ આગેવાનો હોવાથી ૧૩-૧૪ ટકા જ નેતૃત્વ મળ્યું છે. જયારે પાટીદાર સમાજ ઉપર પ્રભુત્વ ઉભું કરી શકે તેવું કોઈ નેતૃત્વ નથી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પુત્ર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ ૩-૪ ચુંટણી હાર્યા બાદ હવે લડાયક રહ્યા નથી. તો પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મર સંગઠનની લડાઈ અને અમરેલીના આંતરિક રાજકારણમાંથી બહાર આવતા નથી. તો બાબુ માંગુકિયા પણ વારંવાર હારના કારણે હતાશ છે. જયારે હિમાંશુ પટેલ જેવા અનેક સારા પાટીદાર અગ્રણીઓ ટીકીટ કપાવવાથી લઇ સંગઠનમાં પત્તું કપાઈ જવાના કારણે નારાજ છે ક્યાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે. આથી પાટીદારો આગામી લોકસભાની ચુંટણીમાં ખુલ્લેઆમ અથવા પડદા પાછળ પણ કેવો રાજકીય અભિગમ અપનાવે છે તે વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં સ્પષ્ટ થઇ જશે.