પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આંદોલનકારીઓ સાથે વાટાધાટો કરતી ભાજપની નેતાગીરીઓ માનસીક સ્વસ્થતા ગુમાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે અને તેની સાથે ભાજપ સરકારના સલાહકારો પણ ભાજપને દશા વધુ બગડે તેવી સલાહ આપી રહ્યા છે. હાર્દિક પટેલ સાથે સમાધાન માટે અનેક બેઠકો કર્યા બાદ, જ્યારે સમાધાન થયું નહીં ત્યારે ભાજપે આરોપ મુકયો કે હાર્દિક કોંગ્રેસી થઈ ગયો છે. હવે પાટીદારોમાં પોતાની છાપ સુધારવા માટે અને અમે તો બધુ જ કરવા તૈયાર છીએ પણ હાર્દિક માનતો નથી તેવું કહેવા માટે તેમણે મોટા ઉપાડે હાર્દિક સામેના કેસ પરત ખેંચવાની જાહેરાત કરી, પણ જેમને સામાન્ય કાયદાનું પણ જ્ઞાન છે તેમને ખબર પડે કે ભાજપ સરકાર નાના કીકલાને મુર્ખ બનાવે તેમ હવે કેસ પાછા ખેંચ્યાની લોલીપોપ આપી પાટીદારોને મુર્ખ બનાવી રહી છે.

એક માણસને ખુન કેસમાં પડકવામાં આવે, જેમાં તેને ફાંસીની સજા થવાની છે. આ માણસ ઉપર જાહેરમાં સીગરેટ પીવાનો ગુનો પણ નોંધાયો છે, જેમાં તેને 200 રૂપિયા દંડ થવાનો છે, પોલીસ કહે જા અમે તારી સીગરેટ પીવાની સજા માફ કરીએ છીએ. બસ આવુ ભાજપ સરકારે હાર્દિક પટેલ સાથે કર્યું છે. હાર્દિકનો સૌથી નાનો ગુનો હતો, તેમાં તેને માફી  કેસ પાછો ખેંચવામાં આવે છે. પહેલો સવાલ તો એવો હતો કે ખરેખર હાર્દિકે રાષ્ટ્ર ધ્વજનું ઈરાદાપુર્વક અપમાન કર્યું હતું કે ભુલથી ધ્વજ ઉંધો પકડાઈ ગયો હતો? કોઈ પણ ગુનાની અંદર તેનો ઈરાદો મહત્વનો હોય છે, હાર્દિક ભારતીય નાગરિક છે. તેના કારણે તેના દેશપ્રેમ સામે કોઈ પ્ર્શ્ન ઊભો કરી શકાય નહીં, પણ હવે સ્થિતિ બદલાઈ છે. જે ભાજપનો કાર્યકર હોય તેને જ દેશપ્રેમી માનવામાં આવે છે. જે ભાજપ સિવાય કોઈ વિધારધારા સાથે જોડાય તેને રાષ્ટ્ર વિરોધી માની લેવામાં આવે છે.

હાર્દિક દ્વારા રાષ્ટ્ર ધ્વજ ઉંધો પકડાઈ ગયો હતો, તેના કારણે તેની ઉપર કેસ થયો. માની લો કે આ કેસ ચાલે અને હાર્દિક કસુરવાર સાબીત થાય તો પણ છ માસની સજાની જોગવાઈ છે, હાર્દિક સામે નોંધાયેલા ગુનામાં સૌથી નાનો ગુનો છે. હાર્દિક સામે સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવાનો ગુનો પણ નોંધાયેલો છે જેમાં તેણે ત્રણ વર્ષની સજા થઈ શકે અને રાષ્ટ્રદ્રોહના ગુનામાં આજીવન કારાવાસની સજા થઈ શકે છે, પણ સરકારે સરકારી મિલ્કતને નુકશાન અને રાષ્ટ્રદ્રોહના કેસ પાછા ખેંચ્યા નથી. ભાજપ સરકાર લાલચ આપી રહી છે. જેના ભાગરૂપે નાના કેસ પાછા ખેંચ્યા, હવે જો તું અમારી વાત માનીશ અને ભાજપમાં આવી જઈશ તો તારા બીજા કેસ પણ અમે પાછા ખેંચીશુ તેવો ગર્ભીત ઈશારો છે. જો તમે અમારી સાથે નથી તો અમારી સામે છો, તેવી માનસીકતા રાચતા ભાજપના નેતાઓ પોતે સાફ હોવાનું દેખાડો કરી રહ્યા છે, પણ તેમને અંદાજ નથી, કે હાર્દિક અને પાટીદારોને એક વખત તેમણે ફરી પોતાનાથી એક ડગલુ પાછળ કર્યા છે.