પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): સુરતમાં ગત 6 એપ્રિલના રોજ પાંડેસરા વિસ્તારમાં એક બાળકીની લાશ મળી, લાશ ઉપર અસંખ્ય ઘા ના નિશાન હતા. પોલીસે લાશનું પંચનામુ કરી લાશને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી ત્યારે સુરત પોલીસ માટે બીજા આઘાતજનક સમાચાર હતા કે બાળકી ઉપર અસંખ્ય વખત બળાત્કાર પણ થયો છે. મીડિયાને કારણે બનાવની ગંભીરતામાં વધારો થયો. સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ સુરત ક્રાઈમ બ્રાન્ચને કામે લગાડી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી હતી. પોલીસ માટે સૌથી પહેલી સમસ્યા એવી હતી કે આ બાળકી કોણ છે? કારણ બાળકીની ઓળખ થાય થાય તો ગુનાનો ભેદ ઉકેલી શકવાનું કામ સહેલુ બને તેમ હતું..

સુરતની પોલીસે ઠેર ઠેર તપાસ કરી પહેલા તો બાળકીના માતા પિતા મળે તે જરૂરી હતું. આખા સુરત શહેરમાં સંભવીત સમામ સ્થળે બાળકીની ઓળખ માટે પોલીસ ફોટોગ્રાફ લઈ ફરતી રહી, બાળકીના પહેરવેશથી તે ગુજરાત બહારની હોવાની શક્યતા હતી તેના કારણે બીજા તમામ રાજ્યોને ફોટોગ્રાફ મોકલી તપાસ શરૂ થઈ. દેશભરમાંથી ગુમ થયેલા બાળકોની ફરિયાદ પોલીસે ચેક કરી પણ ક્યાંય આ બાળકી કોણ છે તેનો પત્તો લાગ્યો નહીં, બાળકી કોણ છે અને બળાત્કાર કરી હત્યા કરનાર કોણ છે તે દિશામાં કંઈ વાત આગળ ચાલી નહીં. જેના કારણે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપર દબાણ વધી રહ્યુ હતું.

પ્રદિપસિંહ જાડેજાએ ડીજીપી શીવાનંદ ઝાને બોલાવી જે કંઈ થઈ શકે તે પગલા લઈ બળાત્કારી અને હત્યારાને શોધી કાઢવા આદેશ આપ્યો. ડીજીપી શીવાનંદ ઝાએ સુચન કર્યુ કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને સુરત પોલીસની મદદમાં મોકલવી જોઈએ કારણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે આ પ્રકારના ગુના ઉકેલી શકવાની એક્સપર્ટાઈઝ છે, જેના ભય સ્થાનો પણ હતા કારણ સુરત પોલીસને આ વાત પસંદ પડે તેવી ન્હોતી, આવુ પોલીસ વિભાગમાં થતુ હોય છે પણ ગુનાનો ભેદ ઉકેલાય તે જરૂરી હતો. શીવાનંદ ઝાનો આદેશ થયો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એડીશનલ ડેપ્યુટી પોલીસ કમિશનર રાજદિપસિંહ ઝાલા પોતાના પોલીસ ઈન્સપેક્ટર વિજય મલ્હોત્રા, કિરણ ચૌધરી અને જયેશ ચાવડા સાથે સુરત પહોંચ્યા, તેમની સાથે મદદમાં ત્રણ પોલીસ સબઈન્સપેક્ટર અને પાંચ કોન્સ્ટેબલ હતા. આ ટીમની વણઉકેલાયેલા ગુનોનો ભેદ ઉકેલવામાં માહેર છે. તેમણે સુરત પોલીસનો સંપર્ક કરી સૌથી પહેલા ગુનો કેવી રીતે બન્યો અને ઘટના સ્થળની મુલાકાત લીધી. પહેલા સુરતની ભુગોળ સમજવાની જરૂર હતી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે પણ પહેલો પ્રશ્ન બાળકી કોણ છે તેની તપાસનો હતો. તા 15મી એપ્રિલ હતી એટલે કે બનાવના સાત દિવસ થઈ ગયા હતા.

અમદાવાદના પોલીસ ઈન્સપેક્ટર જયેશ ચાવડાએ કોલ્ડસ્ટેરેજમાં રહેલી બાળકીની લાશની થંબ ઇમ્પ્રેશન લીધી. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ આ પ્રયોગ પહેલી વખત કરવા જઈ રહી હતી, પોલીસનું અનુમાન હતું કે જો બાળકીનું આધારકાર્ડ નિકળ્યુ હોય તો તેના આધારાકાર્ડના આધારે તેની ઓળખ થઈ શકે તેમ હતી. પોલીસ પાસે બાળકીનો આધાર નંબર ન્હોતો, પણ તેના હાથની છાપ હતી. ઈન્સપેક્ટર જયેશ ચાવડાએ તેના હાથની છાપ લઈ સુરતની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં એક અરજી કરી કોર્ટને વિનંતી કરી કે બાળકીની ઓળખ માટે જો આંગળાની છાપથી અમને તેના આધારની વિગત મળે તો બાળકીને ઓળખી શકાય. સુરતની કોર્ટે સંબંધીત એજન્સીને બાળકીની છાપના આધારે તેની ઓળખ થઈ શકે માટે આધારની વિગત આપવા આદેશ કર્યો.

પરંતુ આધારની વિગતો જેની પાસે હોય છે તે ભારત સરકારની એજન્સીએ કોર્ટનો આદેશ હોવા છતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાળકીની આધાર વિગત આપવાનો ઈન્કાર કરી દીધો અને કારણ આપ્યુ કે આધાર વિગતો વ્યક્તિગત હોય છે અને હાલમાં આ મામલો સુપ્રીમ કોર્ટ આધીન છે તેથી તેની વિગત આપી શકાય નહીં. આમ ક્રાઈમ બ્રાન્ચની તપાસ ફરી અટકી ગઈ.  હવે નવા રસ્તે તપાસ કરવાની હતી. સુરત પોલીસ તમામ સીસીટીવી ફુટેઝ જોઈ ચુકી હતી પણ ઘણી વખત એવુ બનતુ હોય છે કે એક જ દ્રશ્ય બે માણસો અલગ અલગ રીતે જોતા હોય છે. સુરત પોલીસે જોઈ લીધેલા ફુટેઝ જોવાની અમદાવાદ પોલીસે શરૂઆત કરી. 150 કરતા વધુ કેમેરાના ફુટેઝ સુરત પોલીસ પાસે હતા.

અલગ અલગ કેમેરાના ફુટેઝ જોવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 12 પોલીસ અધિકારીઓ બેઠા, લગભગ 50 કલાક કરતા વધુ સમય ફુટેઝ જોયા, તેમાં એક કેમેરો જે ઘટના સ્થળેથી 600 મીટર દુર હતો, તેમાં કંઈક દેખાયુ પણ કેમેરો ખુબ દુર હતો. પરંતુ સવારના સાડા ચાર વાગ્યાના સમયમાં રાઈના દાણા જેવા બે લાલ ટપકા સ્ક્રીન ઉપર નજરે પડ્યા, લાલ ટપકા જે દેખાઈ રહ્યા છે તે જોવા માટે અનેક વખત ફુટેઝ ફોરવર્ડ અને રીવર્સ કરી જોયા ત્યારે એવો ખ્યાલ આવ્યો કે લાલ ટપકા દેખાય છે તે કોઈ કારની ટેલ લાઈટ છે, આ લાલ લાઈટ બનાવના સ્થળે 56 સેંકડ સુધી રોકાય છે.

આ પહેલી કડી મળી હતી, જેનો અર્થ સવારે સાડા ચાર વાગ્યે બનાવના સ્થળે એક કાર આવી હોવાનું અનુમાન હતું. હવે તે રસ્તા ઉપરની એન્ટ્રી અને એક્ઝિટના તરફ કેમેરા હતા તેના ફુટેઝ જોયા, વહેલી સવારનો સમય હતો જેના કારણે ભાગ્યે જ એકાદ બે વાહન પસાર થયા હતા, જેમાં એક કાળા રંગની કાર નજરે પડે છે. આ કાળા રંગની કાર પહેલા શંકાના દાયરામાં આવી, કાળા રંગની કારનો નંબર જોવા માટે ફુટેઝ ઝુમ કર્યા અને કારનો નંબર મળ્યો. આરટીઓમાંથી કાર માલિકનું નામ સરનામુ શોધી ક્રાઈમ બ્રાન્ચ ત્યાં પહોંચી પણ તેણે તો કાર વેચી દીધી હતી. પોલીસ કાર ખરીદનાર સુધી પહોંચી તો તેણે માહિતી આપી કે તેની કાર 6 એપ્રિલના રોજ રાજસ્થાનના ગંગાપુરનો હર્ષ સહાય ગુર્જર લઈ ગયો હતો અને તે કાર મુકી પોતાના પરિવાર સાથે રાજસ્થાન જતો રહ્યો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની શંકા વધુ દ્રઢ થઈ, તરત અમદાવાદથી એક ટીમ ગંગાપુર પહોંચી અને રાજસ્થાન પોલીસ સાથે મળી તેમણે આરોપી ઉપાડી લીધો. આમ ઓપરેશન સુરત પાર પડ્યુ. અમદાવાદ પોલીસની કામગીરી ઉત્તમ હતી તેમાં કોઈ શંકા નથી, પરંતુ સુરત પોલીસ કમિશનર માની રહ્યા છે કે અમદાવાદ પોલીસને પીઠ મેં થાબડી હોત તો વધારે સારૂ થતુ પણ તેના બદલે અમદાવાદ પોલીસે જાતે જ પોતાની પીઠ થાબડી સુરત પોલીસને ઓપરેશનમાંથી બાકાત કરી દીધી.