મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગરમાં જર્જરિત મકાન પૈકીનું વધુ એક મકાન આજે ધરાશાયી થતા એક જ પરિવારની ત્રણ વ્યક્તિઓને ઈજા પહોચી છે. ચોમાસા પૂર્વે મહાનગર પાલિકા માત્ર આવી ઈમારતોના રહીસોને નોટીસ મોકલી સંતોષ માની લેતા હોવાથી વધુ એક ઘટના ઘટી છે. આ ઘટનાને લઈને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી માતા અને તેના બે સંતાનોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ મોન્સુન કામગીરીના ભાગ રૂપે શહેરમાં સર્વે કરી જર્જરીત ભયજનક મકાન-બાંધકામોની યાદી તૈયાર કરી નોટીસ મોકલાવી હતી. શહેરના સર્વેમાં જુના જામનગરમાં ૫૦થી વધુ ભયજનક ઈમારતોમાં રહેતા લોકોને નોટીસ પાઠવી દેવામાં આવી હતી. દરમિયાન પાંચ દિવસ પૂર્વે પડેલા ભારે વરસાદને લઈને આજે ખારવા ચકલા વિસ્તારમાં બે માળનું એક જર્જરિત મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. સવારે ઘટેલી ઘટનાને લઈને લોકોની પાંખી અવરજવરના કારણે મોટી દુર્ઘટના સહેજ માં ટળી હતી. જો કે મકાનના પ્રથમ મળે રહેતા જયશ્રી બેન પ્રભુભાઈ ભાટિયા (ઉવ ૫૨ ) અને તેના બે સંતાનો તુષાર (ઉવ ૨૮ )અને ભાવનાબેન (ઉવ ૨૨) ત્રણેય કાટમાળ નીચે દબાય ગયા હતા. જેને લઈને પાડોશીએ ત્વરિત બચાવ કામગીરી હાથ ધરી ત્રણેયને બચાવી લઇ, હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાર બાદ મહાનગર પાલિકાની ફાયરની ટીમ પહોચી હતી અને કાટમાળ ખસેડવા કામગીરી પાર પાડી હતી.

અત્રે ઉલેખનીય છે કે, દસ વર્ષ પૂર્વે આવી જ એક ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના કાટમાળ નીચે દબાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. આ બનાવ બાદ પણ તંત્રએ શીખ નહિ લેતા વધુ એક વખત બેદરકારી સામે આવી છે.