મેરાન્યૂઝ નેટવર્ક, ગોવા: તાજેતરમાં જ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું હતું અને તેમના મૃતદેહને જે કલા એકેડમીમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો ત્યાં કથિત રીતે એક 'શુદ્ધિકરણ' હવન કરવામાં આવ્યો હોવાના અહેવાલ મીડિયામાં આવ્યા છે. જ્યાર બાદ ગોવા સરકારના મંત્રીએ ખુલાસો કરતા કહ્યું છે કે ત્યાં માત્ર હવન કરવામાં આવ્યો છે. શુદ્ધિકરણ જેવું કશું કરવામાં નથી આવ્યું.

પોતાની સાદગી અને લોકો માટે સારી કામગીરી માટે જાણીતા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું ગત 17 માર્ચના રોજ નિધન થયું હતું. તેમના મૃતદેહને પણજીની કલા એકેડમી ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓ તથા આમ જનતા પણ પર્રિકરને અંતિમ વિદાય આપવા માટે આવી હતી. જ્યાર બાદ આ કલા એકેડમીમાં ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવ્યું. જેને કથિત રીતે 'શુદ્ધિકરણ હવન' કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. ઘટનાની જાણ થતા આ મામલે તપાસના આદેશ અપાયા હતા અને કલા એકેડમીના અધિકારીઓની પૂછપરછ માટે ગયેલા ગોવા સરકારના મંત્રી ગોવિંદ ગૌડે કહ્યું કે "મને નથી લાગતુ કે આ મામલે કોઈ ઔપચારિક તપાસની જરૂર છે. કલા એકેડમીમાં માત્ર હવન કરવામાં આવ્યો હતો, કોઈ શુદ્ધિકરણ નહીં. કલા એકેડમીના અધિકારીઓ ધાર્મિક ગતિવિધિઓની મંજૂરી લીધી હતી. જો કે તેમણે એ નથી જણાવ્યુ કે કેવા પ્રકારના કર્મકાંડ કરવામાં આવશે. એકેડમીમાં કામ કરનારા ઘણા લોકો પુજારી પણ છે. હું નથી ઇચ્છતો કે કલા એકેડમીમાં ધાર્મિક ગતિવિધિઓ બંધ કરવામાં આવે જેની સાથે તે લોકોની ભાવનાઓ જોડાયેલી હોય." આ મામલે કલા એકેડમીના અધિકારીઓનું કહેવું છે કે પર્રિકરના મૃતદેહને રાખ્યા બાદ પાંચ પંડિતો દ્વારા 'શાંતિ હવન' કરવામાં આવ્યો હતો.