મેરાન્યૂઝ નેટવર્ક, શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે સુરક્ષાદળોએ એક મોટા ઑપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ બેમાંથી એક આતંકવાદીની ઓળખ હિઝબુલ મુઝાહિદીનનાં કમાન્ડર મન્નાન વાની તરીકે કરવામાં આવી છે. મન્નાન વાની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) નો ભૂર્તપૂર્વ વિદ્યાર્થી હતો. વાની આ વર્ષ એએમયુમાંથી ગુમ થયો હતો અને બાદમાં અહેવાલ આવ્યા હતા કે તે આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદીનમાં સામેલ થઇ ગયો છે. જ્યાર બાદ એમએમયુએ મન્નાનને બરતરફ કરી દીધો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર હંદવાડાનાં શાટગુંડ વિસ્તારમાં લશ્કરની રાષ્ટ્રીય રાયફલ્સ, પોલીસ અને સીઆરપીએફના એક સંયુક્ત ઑપરેશનમાં હિઝબુલ મુઝાહિદીનના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. રિપોર્ટ અનુસાર મુન્નાન વાની માટે ટેલિગ્રામ ચેનલ પર એક સંદેશ પણ જારી થયો હતો કે “ડૉક્ટર વાનીને શહાદત મળી છે. અલ્લાહ તેમને જન્નતમાં સ્થાન આપે’

મન્નાન વાની આ વર્ષેની શરુઆતમાં જ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી પીએચડીનો અભ્યાસ છોડીને આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદીનમાં સામેલ થયો હતો. હિઝબુલે તેને કુપવાડાનો કમાંડર બનાવ્યો હતો. મન્નાન ભારતીય આર્મી દ્વારા જાહેર મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો. આ એન્કાઉન્ટર બાદ હિંસક દેખાવો થતાં હંદવાડામાં મોટી સંખ્યામાં સુરક્ષાદળો તૈનાત કરી દેવામાં છે. સાથે જ કુપવાડા જિલ્લાની બધી સ્કૂલ-કોલેજો બંધ કરવા કરી દેવાઇ છે અને સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવાના આદેશ અપાયા છે.