મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ શિયાળાની શરૂઆત સાથે અરવલ્લી જીલ્લામાં તસ્કરો સક્રિય થઈ ચોરી, લૂંટ ની ઘટનાને અંજામ આપી પલાયન થઈ જતા હોય છે બાયડ શહેરમાં આવેલી સાંવરિયા સાડી સેન્ટરમાં શનિવારે રાત્રીના સુમારે કોઈ અજાણ્યા શખ્શે તાળું તોડી ૧૯ હજારની સાડી સહીત મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ચોરીના બનાવથી દુકાનદારો અને નગરજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. પોલીસતંત્ર ઠંડીના માહોલમાં ઠંડી ઉડાડી દોડતી થઈ આજુબાજુની દુકાનોમાં લગાડેલા સીસીટીવી કેમેરાને ફંફોસતા સાડીની દુકાનમાં ધાડ પાડનાર શખ્શની કરતુત જોઈ હતી. ઘટનાને અંજામ આપનાર શખ્શ હિસ્ટ્રીશીટર ચોઇલાનો કૌશિક ઉર્ફે રાવળિયો બાબુભાઇ વણકર હોવાનું જણાતા તેના રહેઠાણ સ્થળેથી રેડ કરી મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

બાયડના મુખ્ય બજારમાં આવેલી સાંવરિયા સાડી સેન્ટરનું તાળું તોડી શો-રૂમના કાચ બંધ હોવાથી કાચ તોડી દુકાનમાં પ્રવેશી ૧૫૦૦૦ રૂપિયાની સાડીઓ અને કાઉન્ટરમાં રહેલા ૪૦૦૦ રૂપિયા રોકડની લૂંટ ચલાવી હતી. હિસ્ટ્રીશીટર કૌશિક લૂંટ ચલાવી ફરાર થતા સાડીની દુકાનની આજુબાજુમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થતા સમગ્ર ચોરી-લૂંટની ઘટનાનો પર્દાફાશ થયો હતો. બાયડ પોલીસે સ્ટેશનના પીએસઆઈ એમ.એચ.સોલંકી અને તેમની ટીમે ૪૮ કલાકમાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોઈલાના હિસ્ટ્રીશીટર કૌશિક ઉર્ફે રાવળિયો બાબુભાઇ વણકર દબોચી લેતા પ્રજાજનોએ હાશકારો અનુભવ્યો હતો.