મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે.નં-૮ પર આવેલા ગાંભોઈ પોલીસ સ્ટેશનની નજીક આવેલા એક કોમ્પ્લેક્ષમાં તસ્કરો ત્રાટકી ત્રણ દુકાનોના શટર તોડી દુકાનમાં પ્રવેશી ૯૫ હજારથી વધુના તાંબાના તાર અને તૈયાર કપડાંની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા ગાંભોઈ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી ચોર લૂંટારુ ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગાંભોઈ પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં બેખોફ બની ચોરીની ઘટનાને અંજામ આપતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. 

ગાંભોઈ પોલીસ સ્ટેશન નજીક આવેલા કોમ્પ્લેક્ષમાં ઇડર તાલુકાના ધારપુર ગામના પ્રદીપ ભાઈ જયશ્વાલ મોટર રીવાઇંડીંગની દુકાન ધરાવે છે રાબેતા મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. રાત્રીના સમયે અજાણ્યા શખ્શોએ તેમની દુકાનનું શટરનું તાળું તોડી દુકાનમાં મોટર બાંધવાના રાખેલા ૧૦૦ કિલો તાંબાના તાર કિં.રૂ.૬૦૦૦૦/- ની ચોરી ચલાવી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં બુકાનધારી લૂંટારુઓ આબાદ ચોરી કેમેરામાં કેદ થયા હતા ત્યારબાદ આ અજાણ્યા શખ્શો બાજુમાં આવેલી રેડીમેડ કપડાની અને અન્ય એક દુકાનમાં ત્રાટકી ૩૫ હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થતા ભારે ચકચાર મચી હતી. ચોરીની ઘટનાની જાણ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી ચક્રો ગતિમાન કર્યા હતા.

ગાંભોઈ પોલીસ સ્ટેશન નજીક અને સતત વાહનોથી ધમધમતા રોડ પર આવેલા કોમ્પ્લેક્ષમાં ચોરીની ઘટના બનતા ચોર-લૂંટારુ ગેંગને ખાખી વર્દીનો કોઈ ડર જ ના રહ્યો તેવો અહેસાસ ગ્રામજનોએ અનુભવ્યો હતો અને ગામમાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવની માંગ કરી હતી.