મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ફિનલેન્ડમાં આયોજીત થયેલ IAAF વર્લ્ડ અંડર-20 એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 18 વર્ષની ભારતીય રનર હિમા દાસે ઇતિહાસ રચ્યો છે. તેણે મહિલાઓની 400 મીટર ફાઇનલ રેસમાં 51.46 સેકન્ડ સમયમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમે રહી ગોલ્ડ મેડલ જીત્યો છે. હિમા દાસ પ્રથમ ભારતીય ટ્રેક એથલિટ છે જેણે આ સ્પર્ધાના ઇતિહાસમાં કોઈ મેડલ જીત્યો છે.

હિમા દાસની આ સિદ્ધિ બદલ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, મમતા બેનર્જી, અમિતાભ બચ્ચન, રાજ્યવર્ધન રાઠોર, વિરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા સહિતની હસ્તીઓએ અભિનંદ પાઠવ્યા હતા.

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે રનર હિમા દાસને શુભેચ્છા, અસમ અને ભારત માટે આ ગર્વ અપાવનાર ક્ષણ છે. હવે ઓલિમ્પિક પર નજર રહેશે.

વડાપ્રધાન મોદીએ લખ્યુ કે એથલીટ હિમાના પ્રદર્શન પર ભારતને ખૂબ જ ખુશી અને ગર્વ છે. હિમાનો આ રેકોર્ડ ભવિષ્યમાં યુવા એથલિટ્સને પ્રેરણા આપતો રહેશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હિમાનો વીડિયો શેર કરી કહ્યું કે  વિશ્વ ચેમ્પિયનશિપમાં ટ્રેક ઇવેન્ટમાં આ ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ છે. હિમાની સિદ્ધિને સલામ કરુ છું અને ઐતિહાસિક જીત પર શુભેચ્છા પાઠવું છે.