મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ સુરતમાં રહેતા લાખો પરપ્રાંતીઓને કોઈ તકલીફ ન પડે તેની પોલીસ કાળજી રાખી રહી છે. એટલું જ નહીં પણ પરપ્રાંતીઓની સલામતી માટે શહેરના તમામ પોલીસ મથકમાં એક એક ક્વિક રિસ્પોન્સ ટીમ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત  રહેશે. આ ઉપરાંત પ્રત્યેક પોલીસ મથકના ઇન્સ્પેક્ટરે સવારે આઠ વાગ્યાથી રાત્રે12 વાગ્યા સુધી પોલીસ મથકમાં અથવા પોલીસ મથકના વિસ્તારમાં હાજર રહેવાની સૂચના જારી કરવામાં આવી છે.

અમદાવાદમાં પ્રરપ્રાંતીઓમાં જે રીતે ગભરાટ ફેલાયો છે તેવો માહોલ સુરતમાં ઉભો ન થાય તે માટે સુરત પોલીસ કમિશનરે બુધવારે શહેરના ડાયમંડ, ટેક્સટાઇલ, મજૂર સંગઠનો અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ સાથે મિટિંગ કરી હતી અને પરપ્રાંતી લોકોની સલામતી માટે પોલીસ સાવચેતીના પગલાં ભરી રહી છે તેની માહિતી આપી હતી. કમિશનરે કહ્યું હતું કે સુરતમાં પરપ્રાંતીઓની સૌથી વધુ વસતી છે પણ અત્યારે  સુરતમાં શાંતિ છે. છતાં સાવચેતીના ભાગરૂપે તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે. સંગઠનોનાં સૂચનો પણ કમિશનરે સાંભળ્યા હતા.

પરપ્રાતીઓની સ્થિત અંગે સુરત પોલીસ કમિશનર સતીષ કુમાર શર્માએ પત્રકાર પરિષદ રાખી હતી. તેમણે કહ્યું હતું કે સુરતમાં દરેક પોલીસ સ્ટેશનમાં એકસ્ટ્રા મોબાઇલ વાન ફાળવી દેવામાં આવી છે અને એક ક્વિક રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી છે. કોઇ પણ પરપ્રાંતીને ધમકી ભર્યા ફોન કે સલામતીની જરૂર પડશે તો કવીક રિસ્પોન્સ ટીમ હાજર રહેશે. ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનના પી.આઇને સૂચના આપી દેવામાં આવી છે કે સવારે 8થી રાત્રે 12 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશન અથવા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હાજર રહેવું  ફરજિયાત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે  સોશિયલ મીડિયા પર સતત વોચ રાખવામાં આવી રહી છે. ભડકાઉ મેસેજ કરનાર સામે આકરા પગલાં લેવાની કમિશનરે ચેતવણી આપી હતી.