મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી કરી દીધી છે અને ભારે વરસાદે માયાનગરીની સ્પીડ પર બ્રેક લગાવી દીધી છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે જેને કારણે ભારે ટ્રાફીક જામ પણ થઈ રહ્યો છે.

મુંબઈ શહેરની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન પણ 10થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. વાતાવરણ ખરાબ હોવાની અસર મુસાફરીમાં પણ જોવા મળી રહી છે. મુંબઈમાં ફ્લાઈટ્સ 15થી 20 મિનિટ મોડી ઉડી રહી છે. જોકે કોઈ પાયલટને રદ્દ કરાયા નથી.

વરસાદને પગલે ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. બીએમસીએ પરિસ્થિતિ સાથે લડવા માટે કમર કસી લીધી છે.

હવામાન વિભાગ તરફથી હજુ ભારે વરસાદની ચેતવણી છે જેને પગલે બીએમસીએ પોતાના કર્મચારીઓની રજાઓ શનિવાર અને રવિવારની રદ્દ કરી દીધી છે.

મુંબઈમાં એક દિવસ પહેલા જ ચોમાસાનું આગમન થતાં લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાના કારણે લોકોને કલાકો જામનો સામનો કરવો પડ્યો છે. અંધેરીમાં ભારે વરસાદને કારણે ચારેય તરફથી પાણી ભરાયા છે. ઘણા લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે. કેટલાકનું કહેવું છે કે રોડ પર તો નિકળવાનું ય મુશકેલ છે.

રસ્તાઓ પર પાણી ભરાવવાને પગલે લોકોએ કહ્યું કે, બીએમસીએ પહેલા જ નાળાઓની સાફસફાઈ કરી દેવી જોઈતી હતી. લોકોને પ્રોબલેમનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ માછીમારોને ત્રણ ચાર દિવસ દરમિયાન સમુદ્રમાં ન જવાનો નિર્દેશ અપાયો છે.

સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીનું કહેવું છે કે મુંબઈ લોકલની સેન્ટ્રલ લાઈન પર લોકલ ટ્રેનો 10થી 12 મિનિટ મોડી ચાલી રહી છે. કોઈ લોકલ ટ્રેનને રદ્દ કરવામાં આવી નથી. સાથે જ એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવાઈ છે.