મેરાન્યૂઝ નેટવર્ક, જુનાગઢ: ગત સોમવાર ગઇકાલ મંગળવાર સુધીમાં સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર મેહુલિયો મન મૂકીને વરસ્યો હતો. જૂનાગઢ શહેર અને જિલ્લામાં સચરાચર મેઘસવારી થઇ હતી. વરસાદને કારણે જૂનાગઢ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. ગિરનાર પર્વત અને જંગલોમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસતા પર્વત પરથી ધોધરૂપે પાણી નીચે આવ્યું હતું. આ અદભૂત નઝારો પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ત્રણ ઇંચ અને માંગરોળમાં દોઢ ઇંચ, વિસાવદરમાં બે ઇંચ, મેંદરડામાં ત્રણ ઇંચ તો ભવનાથ તળેટીના જંગલ વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે. જો કે રાજકોટ, મોરબી, જામનગર સહિતના જિલ્લાઓ હજુપણ ધીંગી મેઘમહેરની પ્રતીક્ષા કરી રહ્યા છે.