મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આજે સતત બીજા દિવસે શહેરની નામચીન હોટલ-રેસ્ટોરન્ટમાં દારોડાનો દોર યથાવત રાખવામાં આવ્યો હતો. જેમાં આજે કાલાવડ રોડ પરના પીઝા સ્ટોરમાંથી 125 કિલો જેટલા અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરી નોટિસ પાઠવી હતી. આરોગ્ય વિભાગની કાર્યવાહીથી વધુ કમાણીની લાલચે ખોરાકમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે કોઈપણ જાતના ચેડા ન થાય તેના માટે સતત બીજા દિવસે પણ નામાંકિત હોટલ અને રેસ્ટોરન્ટમા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમા ગઈકાલે 758 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયા બાદ આજે બીજા દિવસે 125 કિલો જેટલો અખાદ્ય જથ્થો ઝડપી લઈ ઘટનાસ્થળે જ નાશ કરવામા આવ્યો હતો. સાથે જ સ્થળ પરથી એક્સપાયરી ડેટના ઠંડા પીણા પણ મળી આવતા વેપારીને નોટિસ પાઠવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, આ પ્રકારનો ખોરાક ખાવાથી ઝાડા ઉલ્ટી, મરડો, કોલેરા અને ટાઇફોડ જેવા રોગો થઈ શકે છે. ત્યારે લોકોએ આ પ્રકારના અખાદ્ય ખોરાક ખાવાથી બચવુ જોઈએ. તેમજ કોઈપણ જગ્યાએ ખોરાક લેતા પહેલા તેની ગુણવતા ચકાસવી ખુબજ જરૂરી છે. જો કે માત્ર નોટિસ પાઠવી સંતોષ માનતું મનપાનું આરોગ્ય તંત્ર વેપારી સામે કડક કાર્યવાહી કરે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.