પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હું એક કામે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ગયો હતો. એક વોર્ડની બહાર એક અર્ધ પાગલ અને ગરીબ માણસ  બેઠો હતો, તેને ચા પીવી હતી, ભૂખ પણ લાગી હતી, પણ તે બોલી શકતો નહોતો તેણે મને ઈશારો કરી, મને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભૂખ લાગી છે, મેં તેને ચા નાસ્તો લઈ આપ્યો, તેના ચહેરા ઉપર એક સંતોષ ઝળકી આવ્યો.

હું ત્યાં કોઈની રાહ જોતો બેઠો હતો, ત્યારે વોર્ડની બહાર એક છોકરી આવી તેના હાથમાં દૂધની થેલી હતી, તેણે પણ આ અર્ધ પાગલ ગરીબને જોયો પેલી છોકરીએ દૂધની થેલી પેલા માણસના હાથમાં મૂકી અને તે જતી રહી. પછી જે બન્યું તેના માટે કદાચ તમામ શબ્દો ઓછા પડે કારણ તે એક જુદો જ અનુભવ હતો.

પેલી છોકરી દૂધની થેલી આપી ગઈ પછી થોડા દૂર બેઠેલા બે કૂતરા પેલા પાગલ પાસે આવ્યા તે તેની સાથે લાડ કરવા લાગ્યા, તેનો ચહેરો ચાટતા, તેનો હાથ પ્રેમથી પકડતા હતા, તે બે કુતરાઓની નજર તેના હાથમાં રહેલી દૂધની થેલી ઉપર હતી, તે પાગલ ભલે હતો, અને બોલી પણ શકતો નહોતો, પણ તેને કૂતરાની લાગણી અને માગણી સમજાતી હતી.

ખરેખર તેને દૂધ પોતાના માટે રાખ્યું હતું, પણ તે કદાચ કૂતરાને નારાજ અને નિરાશ કરવા માંગતો નહોતો, તેણે દાંતથી થેલી તોડી અને પોતાની પાસે પડેલી પેપર ડીશમાં અને બીજાને ફૂટપાથ ઉપર દૂધ રેડી પીવડાવી દીધું, મને આ જોઈ લાગ્યું કે આ ગરીબ હતો, દરિદ્ર નહીં, કારણ આપણે ત્યાં શ્રીમંતો પણ મનથી ગરીબ હોય છે, જ્યારે આ ગરીબ હોવા છતાં પણ શ્રીમંત હતો જુવો  વીડિયો.