મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણી પહેલા વધુ એક ફટકો પડ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા દેવભૂમિ દ્વારકામાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં વિજયી થયેલા પબુભા માણેકને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવી ચૂંટણી રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. જેને પગલે હવે ત્યાં પેટા ચૂંટણી યોજવામાં આવશે. સાથે જ ભાજપ દ્વારા આ ચૂકાદાને પહેલા સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે.

વર્ષ 2017માં યોજાયેલી દેવભૂમિ દ્વારકાની ચૂંટણી રદ્દ થવા પામી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર પબુભા માણેક જીતી આવ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. બાબત એવી છે કે પબુભા વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગોરિયાએ દાવો કર્યો હતો કે ઉમેદવારી ફોર્મમાં પબુભાએ પોતે ક્યાંથી ચૂંટણી લડવાના છે તે બેઠકનો ઉલ્લેખ કર્યો ન હતો. તેમના ફોર્મમાં ભૂલ છે તેથી ફોર્મ રદ્દ કરવામાં આવે.

આ અંગે ચૂંટણી અધિકારીને ગોરિયા દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે તા. 20-11-2017ના ભાજપના ઉમેદવાર પબુભા માણેકે જે ફોર્મ ભર્યું હતું તેના ભાગ 1માં ઉમેદવાર કઈ વિધાનસભા બેઠક પરથી લડવા માગે છે તે દર્શાવ્યું નથી. આથી તેમનું તેમજ તેમના પુત્રનું ફોર્મ રદ્દ કરી દેવામાં આવે. જે અરજી બાદ ચૂંટણી અધિકારીએ બંને ઉમેદવારો સામે નોટિસ ઈશ્યૂ કરી હતી. બાદમાં કોંગ્રેસની વાંધા અરજી ન ચાલી જેથી પબુભા ચૂંટણી લડ્યા હતા અને બાદમાં કોંગ્રેસના ઉમેદવારે આ અંગેની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી. હાઈકોર્ટે આ અરજી પર સુનાવણી કરી દેવભૂમિ દ્વારકા બેઠક પરની ચૂંટણી રદ્દ કરી છે. આ અંગે પબુભા અને ભાજપના પ્રવક્તા બંનેએ એક વીડિયો દ્વારા પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. આવો અહીં જોઈએ તેઓ શું કહેવા માગે છે.