મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર 19 વર્લ્ડકપમાં ભારતે ઝળહળતી જીત મેળવી છે. તેમજ અગાઉ આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની મેચમાં પણ ભારતે શાનદાર દેખાવ કરી પાકિસ્તાનને રીતસર કચડી નાખ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભાવનગરના ખેલાડી હાર્વિક દેસાઇ દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાર્વિકે મેચમાં અણનમ 47 રન બનાવ્યા તેમજ 3 વિકેટ લેવામાં પણ મહત્વનો ફાળો આપ્યો હતો. હાર્વિકના કોચ હિતેશ ગોસ્વામી રાજકોટમાં છે.

હાર્વિક વિશે મિડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, હાર્વિક ભવિષ્યમાં મહેન્દ્રસિંહ ધોનીનું સ્થાન લઇ શકે છે. હાર્વિકને પહેલેથી જ ક્રિકેટ પ્રત્યે લગાવ છે. તેના મનમાં ક્રિકેટ સિવાય બીજુ કંઇ નથી. તે છેલ્લા ત્રણ વર્ષથી મારી સાથે છે. અને ભારતને આ વર્લ્ડ કપ જીતાડવામાં હાર્વિક દેસાઇનો મહત્વનો ફાળો છે. પ્રેક્ટિસ માટે દરરોજ પાંચ કલાકનો ટાઇમ હોય છે. પરંતુ હાર્વિક જીમમાં કસરત કરી 6 થી 7 કલાક પ્રેક્ટિસ કરતો હોય છે. યુવરાજ, વિરાટ કોહલી સહિતના નામી ખેલાડીઓ અંડર-19 માંથી જ આવેલા છે. ત્યારે આગામી સમયમાં હાર્વિક દેસાઇ મહેન્દ્રસિંગ ધોનીની જગ્યા લઇ શકવા તમામ રીતે સક્ષમ છે.