પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): વર્ષ 2015થી ભાજપ વિરૂદ્ધ આંદોલન ચલાવી રહેલા અને પાટીદાર અનામતની માગણી કરતા હાર્દિક પટેલે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પાડી દો તેવી હાંકલ કરી હતી. પરંતુ રાજકારણમાં કંઈ કાયમી હોતુ નથી. 2019ની લોકસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલે પડદા પાછળથી ભાજપને મદદ કરવાનો નિર્ણય કર્યો હોવાની ચોંકવનારી જાણકારી સૂત્રો તરફથી મળી રહી છે. ભાજપ વિરૂદ્ધ ગામે ગામ સભાઓ અને પ્રચાર કરનાર હાર્દિક પટેલે હવે શંકરસિંહ વાઘેલા સાથે હાથ મિલાવી શરદ પવારના થર્ડ ફ્રન્ટમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. બહુ જલદી હાર્દિક પટેલ એનસીપી સાથે જોડાય તેવો અંદેશો મળી રહ્યો છે, તેની સત્તાવાર જાહેરાત પણ હાર્દિક દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે.

2017ની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે ફારગતી લેનાર શંકરસિંહ વાઘેલા જાહેરમાં તો ભાજપને ગાળો આપી રહ્યા છે, પણ તેમના શબ્દો અને વ્યવહાર જુદા છે. ભાજપની B ટીમ તરીકે કામ કરી રહેલા શંકરસિંહ વાઘેલા ભાજપના તૂટી રહેલા મતદારોને કોંગ્રેસ તરફ સરકી જાય નહીં તેવી ગોઠવણ કરી રહ્યા છે. બાપુ જાહેરમાં તો 2019માં ભાજપને પાડી દેવાની વાત કરે છે. પરંતુ ગુજરાતની તાસીર પ્રમાણે જ્યારે પણ થર્ડ ફ્રન્ટ મેદાનમાં આવે ત્યારે તેનો ફાયદો ભાજપને જ થયો છે. 2019 લોકસભાની ચૂંટણીમાં ભાજપને બચાવી લેવાની સોપારી બાપુને આપવામાં આવી છે, જેના ભાગ રૂપે બાપુ પણ બહુ જલદી એનસીપીમાં જોડાય તેવી શક્યતા છે.

જો કે બાપુનો રાજકિય સ્વભાવ સોદાબાજીને હોવાને કારણે તેઓ ગુજરાતમાં છ બેઠકોની માગણી કરી રહ્યા છે. થર્ડ ફ્રન્ટને છ બેઠકો ગુજરાતમાં મળે તો સ્વભાવીક રીતે કોંગ્રેસની છ બેઠકો ગુજરાતમાં ઓછી થાય. કોંગ્રેસ આટલી બેઠકો થર્ડ ફ્રન્ટને આપવા તૈયાર નથી. બીજી તરફ ભાજપ પણ જાણે છે કે બાપુનો કરીશ્મા હવે રહ્યો છે, માત્ર બાપુના સહારે તેઓ ભાજપને થઈ રહેલા નુકશાનને અટકાવી શકે તેમ નથી. ભાજપને એક એવા ચહેરાની જરૂર હતી કે કોંગ્રેસના મતોનું વિભાજન કરી શકે, તેના માટે હાર્દિક પટેલ ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. આ સંદર્ભમાં હાર્દિક પટેલની થર્ડ ફ્રન્ટના અનેક નેતાઓ સાથે મુલાકાત પણ થઈ છે. જો કે હાર્દિક જાહેરમાં તેનો ભલે ઈન્કાર કરતો હોય પરંતુ અમદાવાદમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા પણ હાર્દિક તેનો ઈન્કાર કરતો હતો તે સત્ય છે.

ભાજપને પાડી દેવામાં કોંગ્રેસે 2017માં હાર્દિક પટેલનો સહારો લીધો હતો. 2017ની ચૂંટણીમાં હાર્દિક પટેલે જે નામ આપ્યા હતા તેવા પાટીદાર નેતાઓને કોંગ્રેસ ટિકિટ પણ આપી હતી. પણ ક્રમશ: હાર્દિકની  વિવિધ  માગણીઓમાં વધારો થઈ રહ્યો હતો. મધ્યપ્રદેશમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ હાર્દિકે 12 ટિકિટની માગણી કોંગ્રેસ પાસે કરી હતી. પરંતુ કોંગ્રેસ દ્વારા એક પણ ટિકિટ આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે કોંગ્રેસ અને હાર્દિક વચ્ચે હવે અંતર થઈ ગયુ છે. જેના કારણે હવે હાર્દિક કોંગ્રેસને બતાડી દેવાના મુડમાં છે. કોંગ્રેસ સાથે હાર્દિકે કરેલા ગઠબંધનને કારણે હાર્દિકના અનેક જુના સાથીઓએ સાથ છોડી દીધો હતો.

પણ હવે હાર્દિકે શંકરસિંહ સાથે મળી નવી વ્યુહ રચના ઘડી કાઢી છે. આમ બાપુ અને હાર્દિક જાહેરમાં ભાજપનો વિરોધ કરશે. પરંતુ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઉભા રાખી કોંગ્રેસના મતોનું ધોવાણ કરશે. હાલમાં બાપુ અને હાર્દિક તેમની નિકટતા અંગે જાહેરમાં કંઈ કહેવા તૈયાર નથી પણ આ વાત હવે છાની રહે તેવી નથી. આગામી બે-ત્રણ દિવસમાં જ હાર્દિક અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા ગ્રીનવુડનો બગલો ખાલી કરી ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર ભરતસિંહ વાઘેલાના નામે આવેલો સેક્ટર 19ના બંગલામાં રહેવા જઈ રહ્યો છે. હાલમાં આ બંગલાની સાફ સફાઈ ચાલી રહી છે અને બંગલા ઉપર લાગેલી ભરતસિંહ વાઘેલાની નેમ પ્લેટ પણ ઉતરી ત્યા છત્રપતિ નિવાસ લખાઈ જશે.

હાર્દિક પટેલનો આ વ્યવહાર પાટીદારો અને તેમના સમર્થકોને આઘાત જરૂર આપશે. પરંતુ 1974માં થયેલા નવનિર્માણ આંદોલનના અનેક નેતાઓ આ પ્રકારે જ સરકારમાં ગોઠવાઈ ગયા હત. જ્યારે કોઈપણ આંદોલન શરૂ થાય ત્યારે તેના યુવા નેતાઓના ઈરાદા સારા જ હોય છે, પરંતુ આંદોલનને કારણ મળતી લોકપ્રિયતા અને તેના દ્વારા મળતા વિવિધ  લાભથી પોતાને બચાવી શકતા નથી. કદાચ હાર્દિક પણ પોતાને તેનાથી દુર રાખી શક્યો નહીં.