મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં પણ મહારાષ્ટ્રમાં મરાઠા સમાજના કરાયેલા સર્વેની જેમ પાટીદાર સમાજનો સર્વે કરવાનું જણાવતા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ચીમકી ઉચ્ચારી છે કે, રાજ્ય સરકાર સર્વે કરાવી અનામત નહીં આપે તો આંદોલન કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત આપી શકાય તો ગુજરાતમાં કેમ નહીં... તેવા પ્રશ્ન ઉઠાવતા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ચીમકી ઉચ્ચારી છે કે, રાજ્ય સરકાર આ સર્વે કરાવી અનામત નહીં આપે તો આંદોલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ઓબીસી કમીશન દ્વારા પાટીદાર સમાજનો સર્વે કરાવી અનામત આપવી જોઈએ.

હાર્દિકે પ્રશ્ન કર્યો છે કે, ગુજરાતમાં બંધારણીય રીતે પાટીદાર સમાજને અનામત શક્ય નથી તો મહારાષ્ટ્રમાં તે કેવી રીતે શક્ય થઇ ગયું..?   મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત આપવાની કરાયેલી જાહેરાતના સંદર્ભમાં હાર્દિકે કહ્યું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાત અને કેન્દ્રમાં પણ ભાજપ સરકાર છે. મહારાષ્ટ્રમાં પછત વર્ગ પંચે પોતાના રિપોર્ટમાં મરાઠા સમાજ પછાત હોવાનો સ્વીકાર કર્યો હોવાથી તેમને અનામતનો લાભ મળવાનો માર્ગ મોકળો થઇ ગયો. તે જ રીતે ગુજરાતમાં પણ બંધારણીય રીતે શક્ય બનાવવું જોઈએ. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં પછાત વર્ગ પંચના રિપોર્ટના આધારે મરાઠા સમાજને અનામત આપવા વિધાનસભામાં બીલ લાવી કાયદો પસાર કરાશે. જેમાં આ કાયદાને પડકારશે તો પંચનો રિપોર્ટ રજુ કરવામાં આવશે. આ જ વસ્તુ ગુજરાત સરકારને કરવામાં પેટમાં શું દુઃખે છે તેમ હાર્દિકે જણાવ્યું છે.

મરાઠા સમાજને અનામત આપવા ઓબીસીના ૨૭ ટકા અનામતના ક્વોટાને સરકાર વધારી અનામત આપશે. હાર્દિક પટેલે જણાવ્યું કે, અનામત ક્વોટા નિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો વિશેષાધિકાર છે. જેમાં મહારાષ્ટ્ર સરકારે ઓબીસી ક્વોટા વધારવાનું સ્વીકાર્યું હોય તો ગુજરાત સરકારને પાટીદાર સમાજને અનામત આપવામાં કેમ વાંધો છે. આથી જો રાજ્ય સરકાર ગુજરાતમાં પાટીદાર સમાજનો સર્વે કરાવી અનામત આપવાનો નિર્ણય નહીં કરે તો ફર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી હાર્દિક પટેલે ઉચ્ચારી છે.