પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): હાર્દિક પટેલે પાટીદાર અનામત માગણી સાથે પોતાના જાહેર જીવનની શરૂઆત કરી ત્યાર બાદ ક્રમશ: એજન્ડમાં વિષયો ઉમેરો થતો ગયો. અનામતની સાથે બેરોજગારી અને ખેડૂતોના મુદ્દા પણ જોડાયા. નવા સામેલ થયેલા વિષયો પણ એટલા મહત્વના છે. પરંતુ હાર્દિકને યાદ રહ્યુ નહીં કે જાહેર જીવનમાં આવ્યા પછી વ્યક્તિગત જીવનનો અવકાશ બહુ ઓછો રહેતો હોય છે. જ્યારે જાહેરજીવનના પ્રશ્ન હોય ત્યારે તેની તમામ પ્રવૃત્તિ પણ જાહેર રહેવી જોઈએ. પરંતુ હાર્દિક પોતાની પ્રવૃત્તિઓ સતત ખાનગી રાખવાનો પ્રયત્ન કરતો ગયો. હાર્દિકના આ વ્યવહારની સૌથી પહેલી અસર તેના સાથીઓ ઉપર પડી, હાર્દિકના સાથીઓને પણ તે રહસ્યમય લાગતો રહ્યો જેના કારણે ક્રમશ: સાથીઓની સંખ્યા પણ ઓછી થવા લાગી અને હાર્દિક ઉપર આરોપ થવા લાગ્યા.

માણસ આમ આદમી હોય કે જાહેર જીવનમાં હોય કોઈને કોઈ સ્વાર્થ ચોક્કસ જોડાયેલો છે. એટલે હાર્દિકના સાથીઓ દ્વારા કરવામાં આવેલા તમામ આરોપો સાચા નથી તેવી તક પણ હાર્દિકને આપી તો પણ હાર્દિક શુ કરી રહ્યો છે તે જાણવાનો તેના સમર્થકો અને પ્રજાને ચોક્કસ છે. હાર્દિકના જીવનની વ્યક્તિગત બાબત તે અંગત રાખી શકે છે. પણ હાર્દિક અમદાવાદની તાજ હોટલમાં રાહુલ ગાંધીને મળે તો પ્રજાને ચોક્કસ જાણવાનો અધિકાર છે કે રાહુલ ગાંધી સાથે શુ ચર્ચા થઈ કારણ, હાર્દિક જ્યારે સામાન્ય માણસ અને ખેડૂતોના પ્રશ્ને આંદોલન કરે છે ત્યારે રાહુલ ગાંધી સાથે પ્રજાના પ્રશ્નની જ કોઈ ચર્ચા થઈ હશે તો પણ તેને ખાનગી રાખવાની જરૂર નથી.

હાર્દિક પોતાના ઉપવાસ પછી સારવાર માટે બેંગ્લોરની જીંદાલ ઇન્સ્ટિટ્યુટમાં જાય છે, ત્યા હવે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારના સાથીદાર પ્રશાંત કિશોર સાથે મુલાકાત થાય અને તે પણ શંકરસિંહના અંગત સચિવ તરીકે કામ કરતા પાર્થેશની મદ્યસ્થી હોય ત્યાર બાદ હાર્દિકની મુંબઈમાં એનસીપીના નેતાઓ સાથે મુલાકાત થાય અને બધી બાબત સુચક અને પ્રજાને નીસ્બત રાખનારી છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર્દિકે ભાજપને પાડી દેવાની વાત કરી હતી. હવે 2019માં હાર્દિક એનસીપી સાથે ચર્ચા કરે તો સ્વભાવીક રીતે તેનું આશ્ચર્ય અને આઘાત લાગે. પ્રજાને તો ભાજપ જીતે અથવા કોંગ્રેસ જીતે તેની સાથે કોઈ ફેર પડતો નથી, પ્રજાને તો પોતાના સાવ સામાન્ય લાગતા પ્રશ્નનો ઉકેલ આપે તેવી સરકાર જોઈએ છીએ.

હાર્દિકની સભામાં જે ભીડ આવે છે તે નિરાશ થયેલી પ્રજાની ભીડ છે. તેમણે હાર્દિકમાં વિશ્વાસ મુક્યો અને તેમને લાગ્યુ કે હાર્દિક તેમના પ્રશ્નોનો ઉત્તર થઈ શકે છે. જ્યારે પ્રજાએ હાર્દિક ઉપર ભરોસો મુક્યો છે ત્યારે હાર્દિકની વિશેષ જવાબદારી થઈ જાય છે કારણ હાર્દિકની એક ભુલ પ્રજાની આશા ઉપર પાણી ફેરવી નાખશે. અમારી જાણકારી પ્રમાણે શંકરસિંહ વાઘેલા ભાજપની B ટીમ તરીકે 2019માં કામ કરશે અને કોંગ્રેસના મતોનું વિભાજન કરી ભાજપને ફાયદો કરાવશે અને હવે હાર્દિક પણ બાપુ સાથે હાથ મીલાવી રહ્યો છે અને ભાજપની બી ટીમનો સભ્ય થઈ રહ્યો છે. આ સ્ટોરી પબ્લીશ થયા પછી હાર્દિકના સમર્થકો નારાજ થયા અને તેમણે કહ્યુ આ ખોટી વાત છે.

ખુદ હાર્દિક પટેલે પણ મને અંગત મેસેજ મોકલી કહ્યુ કે મારી સ્ટોરી ખોટી પડશે. આમ તો દરેક પત્રકારને પોતાની સ્ટોરી સાચી જ પડે તેમાં રસ હોય છે. પણ ક્યારેક  પોતાની સ્ટોરી ખોટી પડે તો કેવુ સારૂ તેવી ઈચ્છા પણ હોય છે. આવુ હાર્દિકના કિસ્સામાં છે. અમે કહ્યુ કે હાર્દિક ભાજપની બી ટીમ બની રહ્યો છે આ ખોટુ જ હોય તો કેટલુ સારૂ તેવુ મન કહી રહ્યુ છે, પણ જે હકિકત સામે આવી રહી છે તે જુદી છે. છતાં છતાં અને છતાં હાર્દિક અમારી સ્ટોરી ખોટી જ પડે તેવી ઈશ્વરને પ્રાર્થના છે કારણ ગુજરાતના જાહેર જીવનમાં લડનારની સંખ્યા નાની થઈ રહી છે. હાર્દિકે ભાજપમાં રહેવુ કે કોંગ્રેસ તે તેનો અત્યંત વ્યક્તિગત નિર્ણય છે પણ જે કરવુ તે ખુલ્લે આમ કરવુ અને પોતાને યોગ્ય લાગે તે જ કરવુ, ફરી કહુ છું હાર્દિક અમારી સ્ટોરી ખોટી જ પાડજે.