મેરાન્યૂઝ નેટવર્ક. અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામુ આપશે તેવી અટકળો વચ્ચે પાટીદાર નેતા હાર્દિક પટેેલે રાજકોટમાં વિજય રૂપાણીએ રાજીનામુ આપી દીધુ છે તેવી જાહેરાત કરી વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે હટાવવાની સંભવીત સ્થિતિ ઉપર બ્રેક મારી દીધી છે. હાર્દિક પટેલ કરેલા નિવેદન બાદ હવે થોડા સમય માટે કેન્દ્રીય મોવડી મંડળ તત્કાલ કોઈ નિર્ણય કરે તેવી સંભાવના નહીવત બની ગઈ છે. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાર્દિક પટેલના નિવેદન અંગે પ્રત્યાધાત આપતા જણાવ્યું હતું કે, હાર્દિક પાસે માહિતી હોતી નથી મુખ્યમંત્રી ક્યારેય કેબીનેટમાં રાજીનામુ આપતા નથી. મેં રાજીનામુ આપ્યું છે તેવી વાત ખોટી છે અને મારૂ રાજીનામુ લેવામાં આવશે તેવી ચર્ચા પણ ભાજપમાં નથી.

રાજકોટ પોલીસમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે દાવા સાથે કહ્યું કે, વિજય રૂપાણીએ કેબીનેટમાં રાજીનામુ આપી દીધું છે, જો કે હાર્દિક પટેલના આ નિવેદનને કારણે માહોલ ભલે ગરમાયો હોય તો પણ ભાજપના પોતાના આતરિક અસંતોષ અથવા લેવામાં આવનાર નિર્ણયો ઉપર ઠંડુ પાણી રેડી દીધું છે. કારણ હાર્દિકના નિવેદન બાદ જો ભાજપ કોઈ પણ નિર્ણય કરે તો હાર્દિક સાચો પડે તે ભાજપના નાના મોટા કોઈ નેતા પસંદ ના હોય તે સ્વભાવીક છે. આમ હાર્દિકે નિવેદન કરી રૂપાણીની મુખ્યમંત્રીની ખુરશી બચાવી લીધી છે.

ખાનગીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે ખટરાગ હોવા છતાં હાર્દિકના નિવેદન બાદ નીતિન પટેલ પણ રૂપાણીના સમર્થનમાં મેદાનમાં ઉતરી આવ્યા છે તેમણે પણ વિજય રૂપાણીના રાજીનામની વાતને અફવા ગણાવી છે.