મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણીને લડવાની જાહેરાત કર્યા બાદ હાર્દિક પટેલ પ્રથમ વખત આજે જામનગર જીલ્લાની મુલાકાતે છે. સવારથી ધ્રોલ-જોડિયા અને જામનગર તેમજ દ્વારકા જિલ્લના કોંગ્રેસના કાર્યકરો સાથે હાર્દિકે લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ સહિતની ચર્ચા કરી છે. આવતીકાલે હાર્દિક જામનગર અને દ્વારકા જિલ્લાની મુલાકાત કરશે. હાર્દિકની મુલાકાતને લઈને ધ્રોલ ખાતે પાટીદારોએ હાર્દિક વિરોધના મોટા મોટા હોર્ડિંગસ લગાવી, સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

કોંગ્રેસમાં જોડાતા પૂર્વે જ હાર્દિક પટેલે જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. જેને લઈને જામનગર અને દ્વારકા જિલ્લાને સમાવતી આ બેઠક પર રાજકીય સમીકરણોએ વળાંક લીધો છે. હાર્દિકની એન્ટ્રીના પગલે રાજકીય ગરમાવો આવ્યો છે અને જામનગર બેઠક હોટ ટોપિક બની ગઈ છે, ત્યારે હાર્દિકની જાહેરાત બાદ પ્રથમ વખત જામનગર જિલ્લાની મુલાકાતને લઈને રાજકારણ ગરમાયું છે. આજે સવારથી બપોર સુધી હાર્દિકે બંને જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક કરી છે. ઉપરાંત પડધરી –ધ્રોલ વચ્ચેના ગામડાઓના સરપંચ અને આગેવાનો સાથે ચર્ચાઓ કરી હતી.

આવતીકાલે હાર્દિક જામનગર ભાણવડ અને ખંભાલિયા ખાતે કોંગ્રેસી કાર્યકરો સાથે બેઠક કરી. આગામી રણનીતિ તૈયાર કરશે. બીજી તરફ હાર્દિક દ્વારા કોંગ્રેસમાં પ્રવેશ અને જામનગરમાંથી ચૂંટણી લડવાની જાહેરાત બાદ આજે પ્રથમ વખત જામનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. હાર્દિકના કોંગ્રેસમાં ભળવાથી પાટીદાર સમાજમાં છૂટો છવાયો વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધ વચ્ચે આજે ધ્રોલ મુલાકાત વખતે હર્દીકનો વિરોધ કરવામાં આવ્યો હતો. ધ્રોલમાં હાર્દિક વિરોધના હોર્ડિંગ્સ લગાવી અને પાટીદાર યુવાનોએ રસ્તા પર આવી સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.