પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):  2015માં પાટીદાર અનામત આંદોલન એકદમ પીકઅપ પર હતું. અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી પણ પાટીદારોની વિશાળ રેલી નિકળી હતી. હું અને મારો પરિવાર ઘરની બાલ્કનીમાંથી રેલી જોઈ રહ્યા હતા. હું કાયમ જેમને અનામત મળી રહી છે તેમનો હિમાયતી રહ્યો છુ તે મારો પરિવાર સારી રીતે જાણે છે. રેલી જોઈ રહેલા મારા વીસ વર્ષના પુત્રએ મારી સામે જોઈ પુછ્યુ કે ક્યાં સુધી તમે અનામત આપશો?  હું તેને જોઈ રહ્યો કારણ તેના જેવો જ પ્રશ્ન જેમને અનામતનો લાભ મળતો નથી તેવા બહુમતી વર્ગમાં છે. પાટીદારો અનામતની માગણી કરી રહ્યા હતા પણ જેમનો અનામતનો લાભ મળતો નથી તેવા વર્ગો જેમાં બ્રાહ્મણ અને વણિક સહિત જે પણ વર્ગોનો સમાવેશ થાય છે તે તમામનો સુર એક સરખો હતો. તેમની એક માગણી એવી પણ હતી કે જો અમને અનામત આપી શકાય તેમ નથી તો જેમને મળે છે તેમની અનામત પણ પાછી ખેંચી લઈ લો. જો કે અનામત પાછી ખેંચી લો તે વાત બહુ સીફતપુર્વક રજુ થઈ કે આર્થિક રીતે પછાત હોય તેમને જ અનામતનો લાભ આપો.

અનામતનો વિરોધ કરનાર અથવા અનામતની માગણી કરનાર પાટીદારોની લાગણી અને માગણી છે કે તેમને અન્યાય થઈ રહ્યો છે. મેં જ્યારે ગ્રેજ્યુએશન પુરુ કરી ગુજરાત યુનિવર્સીટીમાં પત્રકારત્વમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે મને પણ પ્રવેશ મળ્યો નહીં કારણ મારે માત્ર 43 ટકા હતા, ત્યારે મને માઠુ પણ લાગ્યુ હતું. જો હું અનામત વર્ગમાં હોત તો મને પ્રવેશ મળ્યો હતો. પરંતુ ક્રમશ: સમજાયુ કે મને ટકા ઓછા હોવાને કારણે કોલેજમાં પ્રવેશ મળ્યો નહીં પણ જો હું અનામત વર્ગમાં આવતો હોત તો મને કોલેજમાં પ્રવેશ તો મળતો પરંતુ ગુજરાત અને દેશના અનેક મંદિરો એવા છે કે જેમાં મને પ્રવેશ મળ્યો ના હોત, નવરાત્રી જેવા પ્રસંગમાં મારે ટોળાની બહાર ઉભા રહી તેનો જેવા પડ્યા હોત.

અનામત પ્રથા જ્યારે પણ દાખલ થઈ ત્યારે તેનો એક માત્ર હેતુ શિક્ષણ અને નોકરી મળે એટલો પુરતો ન્હોતો. પણ અનામત આપવાનો હેતુ એવો હતો કે જે સર્વણ વર્ગમાં નથી, તેમને પણ સમાન શિક્ષણ અને સમાન નોકરી મળે અને તેના કારણે તમામ વર્ગ ભેદભાવ વગર સાથે બેસી જમી શકે, મંદિરમાં પુજા કરી શકે, સાથે ભણે અને નોકરી કરે તેવો હતો. અનામતને કારણે દલિત સહિતના જે વર્ગો અનામતમાં આવે છે તેમને શિક્ષણ અને નોકરીમાં તકો તો મળી પણ તેમનું શિક્ષણ અને નોકરી તેમને સ્વમાન આપી શક્યુ નહીં. 2015માં વડોદરામાં પાટીદારોની રેલી નિકળી ત્યારે વડોદરા પોલીસમાં ફરજ બજાવતા એક સિનિયર આઈપીએસ અધિકારીને મેં રેલી વખતે તેમના યુનિફોર્મ ઉપર રહેલી નેમ પ્લેટ કાઢી નાખતા મેં જોયા હતા કારણ રેલીમાં રહેલા લોકો તેમની જાતિને લઈ ટીપ્પણી કરતા હતા.

આજે પણ ગુજરાત અને કેન્દ્ર સરકારામં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ હોદ્દાની રીતે ઉચ્ચ હોય તો પણ તેમને જાતિ આજે પણ પરેશાન કરે છે. તેમના જ તાબામાં કામ કરતા તેમના જુનિયર અધિકારીઓ જે પોતાની ઉંચી જાતિના સમજે છે તે તેમના ઘરે પાણી પીતા નથી અને તેમની પીઠ ફરે તેની સાથે સાંભળી ના શકાય તેવા શબ્દોનો પ્રયોગ કરે છે. આમ અનામતનો જે હેતુ હતો કે આપણે જાતિને કારણે નહીં પણ શિક્ષણ અને મહેનત કરનારને માન આપી શકીએ તેવુ થયુ નહીં. હું પોતે પણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છું, મેં અનેક બ્રાહ્મણને શાસ્ત્ર અને સંસ્કૃતના જ્ઞાતા જોયા છે, પણ હજારો બ્રાહ્મણ એવા છે જેઓ સાંતાકારમ ભજગશયનમ શ્લોક પણ સ્પષ્ટ રીતે બોલી શકતા નથી છતાં તેઓ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોવાને કારણે તેમને માન પણ મળે છે અને લોકો તેમના ચરણ સ્પર્શ પણ કરે છે.

અહિંયા કોઈ જાતિનો બચાવ કરવાનો અને કોઈને ઉતારી પાડવાનો પ્રશ્ન નથી પણ આ વાસ્તવીકતા છે. એક એવી પણ દલિલ થાય છે કે પાટીદારો પાસે જમીન રહી નથી. તેમની આર્થિક સ્થિતિ પણ સારી રહી નથી માટે અનામત આપો, આમ આર્થિક મુદ્દો આગળ કરવામાં આવે છે. પટેલ-બ્રાહ્મણ અને વણિક ગરીબ હોય તો પણ તેનું સામાજીક અપમાન થતુ નથી. ખાસ કરી બ્રાહ્મણને મોટા ભાગે ગરીબ બ્રાહ્મણનો દિકરો છે તેમ કહી સહાનુભુતી અને મદદ પણ મળે છે. જયારે દલિતના કિસ્સામાં તો તે ગરીબ હોય ત્યારે તેનું અપમાન કરવાનો અને તેને મારવાનો સમાજના બહુ મોટા વર્ગને અધિકાર મળી જાય છે, પણ તે શિક્ષિત હોય અને સંપન્ન થાય ત્યારે પણ તેમની લાયકાત નહીં પણ સરકારી લાભ લઈ મોટા થયા તેવુ સાંભળવુ પડે છે. આમ દલિત ગરીબ હોય અથવા સંપન્ન માન મેળવવાના મુદ્દે તો બંન્નેની સ્થિતિ સરખી છે.

કાયદાની આટલી જોગવાઈને કારણે દલિતો અને અન્ય અનામત વર્ગના લોકોને શિક્ષણ અને નોકરીની તક મળી. જો આવી જોગવાઈ જ ના હોત તો આપણી આ માનસિકતા તેમને શિક્ષણ અને નોકરીથી વંચિત જ રાખતા તેમના કોઈ બે મત નથી. હું જ્યારે આ પ્રકારની વાત મારા મિત્રો સાથે કરૂ છુ ત્યારે મારા શહેરી મિત્રો કહે છે, હવે આવુ કંઈ રહ્યુ નથી, શહેરોમાં તો કોઈ જાત-પાત પુછતાં નથી પણ મને લાગે છે કે આ માન્યતા સાવ ખોટી છે. દલિતોને સાથે ખરાબ વ્યવહાર કરવામાં ગામડા કરતા શહેરો વધુ આગળ છે. અમદાવાદ જિલ્લાના અનેક ગામોમાં આજે દલિત અને અન્ય જાતિના લોકોના પાણી ભરવાનો સમય અલગ છે, મારા મિત્ર કૌશીક દ્વારા કરવામાં આવેલી આરટીઆઈના મળેલા જવાબ પ્રમાણે રાજ્યના 41 એસપી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમા છેલ્લાં 15 વર્ષમાં  દલિત અત્યાચારની 1834 ફરિયાદ નોંધાઈ, જેમાંથી સૌથી વધુ ફરિયાદ અમદાવાદ જિલ્લામાં  894 અને અમદાવાદ શહેરમાં 940 ફરિયાદ નોંધાઈ હતી.