મેરાન્યૂઝ નેટવર્ક, થાનગઢ: થાનગઢના નવાગામ આંબેડકરનગર માં રહેતાં મેઘવાળ યુવાનને રાત્રે ઘર પાસે હતો ત્યારે ત્રણ શખ્સોએ માથામાં કૂહાડો ઝીંકી દેતાં અને તેના કાકા બચાવવા માટે દોડતાં તેની પીઠમાં ફાયરીંગ કરવામાં આવતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જેમાં ભત્રીજાનું મોત નિપજ્યું છે, જ્યારે કાકા સારવાર હેઠળ છે. ત્રણ શખ્સો પોતાને જેની સાથે મનદુઃખ હતું એ દલિત યુવાનને શોધવા આવ્યા હતાં. તેનું ઘર હત્યાનો ભોગ બનનાર યુવાને ન બતાવતાં આ ઘટના બન્યાનું કુટુંબીજનો કહે છે. સુરેન્દ્રનગર અને થાન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ થાનગઢના નવાગામમાં રહેતો પ્રકાશભાઇ કાંતિભાઇ પરમાર (ઉ.૩૫) રાત્રે સાડા દસેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે ત્રણ શખ્સો આવ્યા હતાં અને ગાળો ભાંડી હતી. એ પછી તેને બહાર ખેંચી એક શખ્સે માથામાં કુહાડો ઝીંકી દીધો હતો. તેને બચાવવા માટે કાકા સુરેશભાઇ દેવજીભાઇ પરમાર (ઉ.૩૦) દોડી આવતાં તેના પર ફાયરીંગ કરાતાં પીઠમાં ઇજા થઇ હતી. દેકારો મચી જતાં અને લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. ઘાયલ કાકા-ભત્રીજાને થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચૌહાણે થાન પોલીસને જાણ કરી હતી. સારવાર દરમિયાન મોડી રાત્રે પ્રકાશભાઇએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. સુરેન્દ્રનગર અને થાનથી પોલીસ અધિકારીઓએ દોડી આવી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

હત્યાનો ભોગ બનનાર પ્રકાશભાઇ બે ભાઇમાં મોટો હતો. પત્નિનું નામ દયાબેન છે. તે કારખાનામાં કામ કરતો હતો. સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર અને ચાર વર્ષની પુત્રી છે. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત તેના કાકા સુરેશભાઇ પાંચ ભાઇમાં બીજા છે. તે પણ કારખાનામાં કામ કરે છે. તેને સંતાનમાં ત્રણ પુત્રી છે. તેના પત્નિનું નામ ડાહીબેન છે.

પ્રકાશભાઇના કુટુંબીજનોએ કહ્યું હતું કે પડોશમાં જ રહેતાં બાબુભાઇ રાજાભાઇ પરમારને અગાઉ કાઠી લોકો સાથે માથાકુટ થઇ હોઇ તેનો કેસ ચાલુ છે. આથી કાઠી લોકો બાબુભાઇને શોધવા આવ્યા હતાં અને ગાળાગાળી શરૂ કરી હતી. જેમાં પ્રકાશભાઇ ડેલીએ ઉભો હોઇ તેને ખેંચીને બાબુભાઇનું ઘર બતાવવા કહ્યું હતું. પણ પ્રકાશભાઇએ ના પાડતાં તના માથામાં કૂહાડો ઝીંકી દેવાયો હતો. કાકા સુરેશભાઇ બચાવવા આવતાં હવામાં બે ભડાકા કરાયા બાદ તેના પર એક ફાયરીંગ કરાયું હતું. હુમલો કરનારાઓમાં એક શખ્સ નરેશ કાઠી હતો, બાકીના બે અજાણ્યા હતાં.

હત્યાનો ભોગ બનનારના કુટુંબીજનોની ઉપરોકત વિગતોના આધારે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. જુના મનદુઃખમાં આ હત્યા થયાનું હાલ બહાર આવ્યું છે. થાનગઢ, નવાગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યાનું જાણવા મળે છે.