મેરાન્યૂઝ નેટવર્ક, ખંભાલિયા: દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલિયા તાલુકાના ભરાણા ગામે ગઇકાલે એક યુવાનની કરપીણ હત્યા નીપજાવી લાશને ફેકી દેવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી. પરણિત મૃતકની પત્ની રીસામણે ચાલી ગયા બાદ અન્ય યુવતી સાથે કરેલો પ્રેમ સંબંધ મોંઘો પડ્યો હોવાની વિગતો સામે આવી છે. યુવતીના પરિવારમાંથી હત્યા નિપજાવામાં આવી હોવાની વિગતોને આધારે પોલીસે આરોપી સુધી પહોચવા કવાયત શરુ કરી છે. પોલીસ તપાસમાં આરોપી પણ હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે.

જીલ્લાના વડા મથક ખંભાલીયાના ભરાણા ગામે રહેતો જયેશગર નથુગર બાવાજી નામનો યુવાન આજે સવારે ઘરેથી કામ કરવા નીકળી ગયો હતો. દરમિયાન આ યુવાનનો લોહીથી લથપથ હાલતમાં ફેકી દીધે;  મૃતદેહ એસ્સાર કંપનીની બાઉન્ડ્રી પાસે આવેલ એક દરગાહ નજીકથી ગઇકાલ સાંજના સમયે મળી આવ્યો હતો. આ ઘટના અંગે ગામના સરપંચે જાણ કરતા વાડીનાર પોલીસ અને દ્વારકા એલસીબીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકનો કબજો સંભાળી, મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ પહોચાડી, તપાસ શરુ કરી હતી.

પત્ની રીસામણે હોવાથી પરિવાર સાથે રહેતા મૃતકની કોને હત્યા નીપજાવી છે?  આ બાબતનો તાગ મેળવવા પોલીસે મૃતકના મોબાઈલ લોકેશન અને ફોન કોલ અંગેનો તાગ મેલવવા એક ટીમ કામે લાગી હતી. જ્યારે અન્ય પોલીસની ટીમે મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કામગીરી શરુ કરી હતી. જેમાં મૃતક બે બાળકોનો પિતા હોવાનું સામે આવ્યું હતું. પત્ની સાથે વિખવાદ થતા પત્ની રીસામણે ચાલી ગઈ હતી. બે પૈકી બંને પાસે એક – એક બાળકનો કબજો હતો. સમય જતા મૃતક યુવાનની ગામની જ  એક યુવતી સાથે સંબંધ બંધાઈ ગયો હતો. આ સંબંધ અંગે યુવતીના પરિવારજનોને જાણ થઇ જતા એક-બે વાર બોલાચાલી પણ થઇ હોવાનું સામે આવ્યું છે. આ હત્યા યુવતીના જ પરિવારમાંથી કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સાથે પોલીસે હત્યારાના સગળ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. આધારભૂત સુત્રોનું માનવામાં આવે તો પોલીસ હત્યારા નજીક પણ પહોચી ગઈ છે અને આરોપી હાથ વેતમાં હોવાનું જાણવા મળ્યું છે.