મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: વિજય રૂપાણી સરકારમાં સ્થાન નહીં મળતા અસંતોષ વધી રહ્યો છે. નીતિન પટેલથી શરૂ થયેલો અસંતોષ આગળ વધી રહ્યો છે. જેના સમાચારોને કારણે ભાજપની આબરૂના લીરા ઉડી રહ્યા છે. જેને રોકવા માટે ભાજપ દ્વારા એક નવો રસ્તો અખત્યાર કરવામાં આવ્યો છે. જેમાં હવે ભાજપ પોતાના જ નેતાઓ દ્વારા સમાચાર ખોટા છે તેવુ જણાવી પોલીસ ફરિયાદ કરાવી રહી છે.

નીતિન પટેલને ધમકી બાદ તેમને મંત્રીમંડળમાં નાણા ખાતુ આપવામાં આવ્યુ પણ તેના બાદ વધુ નારાજ મંત્રીઓ અને ધારાસભ્યો હવે જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરવા લાગ્યા છે, પણ હવે જો ભાજપના નેતાઓ જાહેરમાં આ પ્રકારની નારાજગી વ્યક્ત કરશે, તો ક્રમશ: બધા નેતાઓ આ પ્રકારનું નિવેદન કરવા લાગશે. ભાજપે નારાજ નેતાઓને જાહેરમાં બોલતા રોકવાને બદલે આ અંગે સમાચાર જાહેર કરી રહેલા માધ્યમો સામે પોલીસ ફરિયાદ કરવાની શરૂઆત કરી છે.

સૌથી પહેલા પુર્વ મંત્રી બાબુ બોખરીયા દ્વારા પોરબંદર એસપી સમક્ષ ફરિયાદ કરાવવામાં આવી, જેમાં તેમની નારાજગી અંગે સમાચાર પ્રસિધ્ધ થયા હતા. જેમાં બોખરીયાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેમને મંત્રી મંડળમાં સમાવ્યા નથી તેના કારણે તેઓ નારાજ છે તેવા ખોટા સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આ જ પ્રકારે પુર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ સાયબર સેલમાં ફરિયાદ આપી કે મધ્ય ગુજરાતમાં તેમના સહિત અન્ય કોઈ ધારાસભ્યને સ્થાન મળ્યુ નથી જેથી તેઓ નારાજ હોવાની ખોટી વાત માધ્યમો દ્વારા વહેતી કરવામાં આવી છે.

બોખરીયા અને ત્રિવેદીનો મંત્રી મંડળમાં સમાવેશ થયો નથી તેના કારણે જાણે તેઓ રાજી થયા હોય તેવુ તેમની ફરિયાદ ઉપર લાગી રહ્યુ છે. જો કે મંત્રી મંડળમાં સામેલ મંત્રી પુરૂષોત્તમ સોંલકીએ સચિવાલયમાં આવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી કે તેમને રાજ્ય કક્ષાનું ખાતુ આપવામાં આવ્યુ છે અને તેમના ટેબલ ઉપર કોઈ ફાઈલ આવતી જ નથી. આમ ભાજપ પોતાના અસંતોષનો ટોપલો મીડિયા ઉપર ઢોળવા માગી રહ્યુ છે.