પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): છેલ્લાં ત્રણ દાયકાથી હું જોઉ છુ કે જ્યારે પોલીસમાં ભ્રષ્ટાચાર વધ્યો છે તેવી બુમ પડે તેની સાથે પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અથવા હેડકોન્સ્ટેબલ જે પોલીસ ઈન્સપેકટરથી લઈ આઈપીએસ અધિકારી માટે પૈસા ઉઘરાવવાનું કામ છે જેને પોલીસ વહિવટદાર તરીકે ઓળખાય છે તેમની બદલીઓ કરી દેવામાં આવે છે. કેટલાંક કિસ્સામાં તેમની એક શહેરમાંથી બીજા શહેરમાં બદલી કરી દેવામાં આવે છે. પોલીસના વહિવટદારની હાલત કફોડી જેવી છે, ખાનગીમાં તમામ અધિકારીઓ વહિવટદારને સાથે રાખવાનું પસંદ કરે છે, પણ  જાહેરમાં તેમની ટીકા કરે છે.

અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર વિપુલ અગ્રવાલ દ્વારા તાજેતરમાં અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ  અને કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી. આ તમામ વહિવટદારો જ હતા, તેમાં કોઈ ના પાડી શકે તેમ નથી. વિપુલ અગ્રવાલ દ્વારા આ બદલીના આદેશમાં નોંધવામાં આવ્યુ કે જેમની બદલી થઈ છે તેમને તત્કાલ છુટા કરી નવા સ્થળે હાજર થવુ અને જ્યાં પણ તેઓ હાજર થાય ત્યારે તેમને ફિલ્ડ ડયુટી આપવી નહીં. જો ફિલ્ડ ડ્યુટી આપવામાં આવશે તો સંબંધીત પોલીસ અધિકારી સામે પગલાં ભરવામાં આવશે. આ બદલીનો સ્પષ્ટ અર્થ થાય કે જેમની બદલી કરવામાં આવી તેઓ કોઈને કોઈ પોલીસ અધિકારી માટે ઉઘરાણા કરતા હતા, જેના કારણે જ તેમની બદલી થઈ અને તેમને ફિલ્ડ ડ્યુટી દુર રાખવાનો આદેશ થયો.

કોઈ પણ સરકારી કર્મચારી અથવા અધિકારી પોતાના પગાર કરતા વધુ રકમ મેળવે તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી શકાય તેમ છે. તો પછી વહિવટદાર સામે કેમ તેવા કોઈ પગલાં ભરવામાં આવ્યા નહીં અને જો વહિવટદાર કોઈને કોઈ પોલીસ અધિકારી માટે ઉઘરાણા કરતો હતો, જે અધિકારીના ખીસ્સામાં પૈસા જઈ રહ્યા છે તે અધિકારીઓની કેમ બદલી થતી નથી અને તેમની બદલી બાદ તેવો પણ આદેશ થતો નથી કે આ પોલીસ અધિકારીને ફિલ્ડ ડ્યુટી આપવી નહીં. આમ પૈસા લેવાના હોય ત્યારે ઉચ્ચ અધિકારીને કોઈ વાંધો નથી પણ ભ્રષ્ટાચાર કોણ કરે છે તેવો પ્રશ્ન આવે ત્યારે તરત વહિવટદાર સામે આંગળી ચિંધાઈ જાય છે. જો કે તમામ પોલીસ ઈન્સપેક્ટર્સ અને આઈપીએસ અધિકારીઓ વહિવટદાર રાખે છે તેવુ પણ નથી. છતાં પોલીસ અધિકારીઓનો મોટો વર્ગ વહિવટદાર રાખે છે તે વાત પણ સાચી છે.

કોન્સ્ટેબલ અથવા હેડ કોન્સ્ટેબલ જ વહિવટદાર હોય છે તેવુ પણ નથી. અનેક કિસ્સા એવા છે કે સિનિયર આઈપીએસ અધિકારીનો વહિવટ પોલીસ સબઈન્સપેક્ટરથી લઈ ઈન્સપેક્ટર્સ કરતા હોય છે. પરંતુ ક્યારેય પીએસઆઈ અથવા પીઆઈ વહિવટદારની વહિવટ કરવા માટે બદલી થતી નથી. જ્યારે આઈપીએસ અધિકારી અને વહિવટ કરતા અધિકારી વચ્ચે વાંધો પડે ત્યારે અચુક બદલી થાય છે. જો કે વહિવટદારોમાં પણ હવે ટેન્ડર સિસ્ટમ આવી ગઈ છે,  નવો આવનાર વહિવટદાર જુના વહિટવદાર કરતા બમણુ ઉધરાણુ કરી આપવાની ખાતરી આપે તો જુના વહિવટદારનું સ્થાન બદલાઈ જાય છે.

જો કે તમામ અધિકારીઓ ઘરે પૈસા લઈ જવા માટે જ વહિવટદાર રાખે છે તેવુ પણ નથી. કેટલાંક કિસ્સામાં પોલીસ સ્ટેશન અથવા બ્રાન્ચ ચલાવવા માટે નિયમ બહારના પણ કેટલાંક ખર્ચ થાય છે જે સરકાર દ્વારા આપવામાં આવતો નથી, જેમને ડીસીપીને સિક્રેટ ફંડમાં વાર્ષિક 25 હજાર જ મળે છે. ઘણી વખત મોટી માહિતી માટે બાતમીદારને મોટી રકમ આપવી પડે છે ત્યારે વહિવટદાર દ્વારા કરવામાં આવેલા ઉઘરાણામાંથી તે રકમ ચુકવાઈ જાય છે. આ ઉપરાંત ક્યારેક તપાસ માટે તરત બાય વિમાન જવુ પડે છે, કારણ મળેલી બાતમી પ્રમાણે વોન્ટેડ આરોપી કોઈ ચોક્કસ રાજ્યમાં છુપાયેલો હોય છે. નિયમ પ્રમાણે ડીવાયએસપીથી નીચેના અધિકારીને બાય એર જવાની મંજુરી મળતી નથી. પરંતુ ખરેખર તપાસ તો પીએસઆઈ અને પીઆઈ જ કરતા હોય છે આવા કિસ્સામાં વિમાનની ટિકિટનો ખર્ચ વહિવટદારના ખર્ચમાંથી પડે છે.

જે સિનિયર અધિકારીઓ પોતાના તાબાના અધિકારીઓને પ્રામાણિકતાના પાઠ શીખવાડે છે, તેવા અધિકારી ઉદાહરણ રૂપે અમદાવાદના નવરંગપુરાના ઈન્સપેકટરને સુચના આપે કે મારા પરિવારના ચાર સભ્યો મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ જોવા માટે આવે છે તો ઈન્સપેક્ટર ચાર ટિકિટ મંગાવે, જેના પૈસા ઈન્સપેક્ટર જ ચુકવે છે, નવરંગપુરાના ઈન્સપેક્ટરને મહિને આવી જુદા જુદા અધિકારીની પચાસ ટિકિટ લેવાની સુચના મળે છે. ઈન્સપેક્ટર આઈપીએસ અધિકારી ટિકિટ પૈસા માંગી શકતા નથી. આ ખર્ચ પણ વહિવટદાર આપી દેતો હોય છે. અમદાવાદ રેલવે પોલીસમાં કામ કરતા ઈન્સપેક્ટરને મહિને દસ કરતા વધુ ટિકિટ ખરીદવાની આવે છે. મોટા ભાગે ફર્સ્ટ અને સેંકડ એસીની ટિકિટ જ હોય છે, તો આ ખર્ચ રેલવે ઈન્સપેક્ટર ક્યાંથી કાઢે છે તેવુ તેના સિનિયર પુછતા નથી.

આમ તમામ પોલીસ અધિકારીઓ જાણે છે કે વહિટદાર પૈસા ક્યાંથી લાવે છે, તેના પૈસા કોના ખિસ્સામાં જાય છે અને તેમાંથી કેવા ખર્ચાઓ પણ નિકળે છે. આમ છતાં પ્રામાણિકતા સાબિત કરવાનો વખત આવે ત્યારે ગંડુરાજાની નગરી જેવો ન્યાય થાય અને બદલી અને સજા માત્ર નાના વહિવટદારની જ થાય છે. આ આખી ઘટનામાં વહિવટદારના ઉઘરાણા અને તેમના ખોટા કામને ન્યાયી ઠેરવવાનો ઈરાદો નથી, છતાં એક વાસ્તવિકતા છે તે તરફનો નિર્દેશ  છે.