મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત પોલીસને ટેકનો સેવી બનાવીને ગુન્હા સંશોધન માટે ઝડપ આવે તે આશયથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત ‘મોબાઇલ પૉકેટ કૉમ એપ્લિકેશન’ કાર્યરત કરાઇ છે. રાજ્ય સરકારનો આ નવતર અભિગમ રાષ્ટ્રીય સ્તરે સ્વીકારાતા તેને ‘ફિક્કી સ્માર્ટ પોલીસીંગ એવોર્ડ-૨૦૧૮’ એનાયત થયો છે.

પોલીસ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થકી કરાયેલ શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી મળેલ એવોર્ડ અંગે અભિનંદન આપતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસંહ જાડેજાએ કહ્યું કે, ડિજિટલ ભારતના નિર્માણમાં પણ ગુજરાત દેશને નવો રાહ ચિન્ધશે. મોબાઇલ પૉકેપ એપ્લિકેશનના એવોર્ડ માટે દેશભરમાંથી ૨૦૦ જેટલા નોમિનેશન આવ્યા હતા. જે પૈકી ગુજરાતની પસંદગી કરાઇ છે. આ એવોર્ડ નવી દિલ્હી ખાતે યોજાયેલ કોન્ફરન્સમાં સ્ટેટેટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી વિજય ગોયલના હસ્તે એનાયત થયો હતો.

પૉકેટ કૉપ મોબાઇલ એપ્લિકેશન અંતર્ગત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની તમામ બ્રાન્ચોને આવરી લેવાઇ છે. જેમાં સી.આઇ.ડી. ક્રાઇમ, લાંચરુશ્વત વિરોધી બ્યુરો, એ.ટી.એસ. તેમજ ક્રાઇમ બ્રાન્ચને પણ સાંકળીને ગુન્હા સંશોધન અને ગુન્હાની તપાસ, પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી રાજ્યમાં સફળ રીતે થઇ રહી છે. આ પ્રોજેકટ હેઠળ પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી સંભાળતા ૪૯૦૦ પોલીસ કર્મીઓને સ્માર્ટ મોબાઇલ ફોન ડેટા કનેકટીવીટીની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. પોકેટ કોપ મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી આજ સુધીમાં રાજયના તમામ શહેર-જિલ્લાઓમાં ખૂબ જ ઓછા સમયમાં સરળતાથી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ૫૮૩૭૮ પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી પોલીસ કર્મીઓ દ્વારા અરજદાર નાગરિકોને ઘરે જઇને પૂર્ણ કરાઇ છે. જયારે ગુન્હાઓમાં સંડોવાયેલ ગુન્હેગારોની શોધ માટે એપ્લિકેશન દ્વારા ૯૩૦૦ ગુનેગારોને શોધી કઢાયા છે. તો ગુન્હામાં વપરાયેલા સાધનોની શોધ હેઠળ ૨૪૬૭૪ જેટલા વાહનો શોધી કઢાયા છે. આ ઉપરાંત આ એપ્લિકેશનથી રાજ્યમાં ૫૦૭૫ જેટલી ખોવાયેલ વ્યક્તિને શોધી કાઢવામાં સફળતા મળી છે.

રાજ્ય સરકાર દ્વારા આવનાર સમયમાં પોકેટ કોપ એપ્લિકેશનની સફળતાને લઇને વ્યાપ વધારવાનું આયોજન છે. જેમાં તપાસને લગતી વિશેષ સૂચનાઓ અને સાયબર ક્રાઇમને લગતી અદ્યતન માહિતી તેમજ ગુન્હા તપાસ સંબંધી કાર્યપદ્ધતિની માર્ગદશિકા પણ એપમાં સામેલ કરાશે. તમામને લગતી જરૂરી માહિતી રખાશે. જેથી તપાસ અધિકારીઓને તમામ મદદ અને માર્ગદર્શન વૈજ્ઞાનિક ઢબે મળી રહે અને તપાસ ઝડપથી થાય.