પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):  ભાજપના પુર્વ ઉપપ્રમુખ અને પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાના પાંચમા દિવસે ગુજરાત પોલીસે સયાજીનગરી એકસપ્રેસ ટ્રેનમાં ભાનુશાળીને ગોળી મારનાર બંને હત્યારાઓને ઓળખી કાઢ્યા હોવાનું અત્યંત ટોચના સુત્રોએ જણાવ્યુ છે. હત્યાની ઘટના બાદ તેઓ એક બેગ સાથે ટ્રેનમાંથી ભાગી નિકળ્યા ત્યાર બાદ એક સ્થળના સીસીટીવીમાં તેઓ આવી જતા તેમની ઓળખ થઈ ગઈ છે. આ બંને હત્યારાઓને ઝડપી લેવા માટે ગુરૂવાર રાત્રે અનેક ટીમોને વિવિધ સ્થળે રવાના કરવામાં આવી છે. પોલીસનો દાવો છે કે શુક્રવાર સાંજ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.

જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં થયેલી હત્યા બાદ ભાનુશાળીના પરિવાર દ્વારા ભાજપના નેતા છબીલ પટેલ, ભાનુશાળીની પુર્વ મહિલા મિત્ર  મનિષા  અને એક પત્રકાર સહિત કુલ પાંચ વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લેતા ડીજીપી શિવાનંદ ઝાએ આ મામલે ખાસ તપાસ દળની રચના કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, સીઆઈડી ક્રાઈમ અને ગુજરાત એટીએસ દ્વારા સયુંક્ત રીતે શરૂ કરવામાં આવેલી તપાસમાં એક પછી એક શંકાસ્પદ લોકોને તપાસમાં આવી રહ્યા હતા.

આ ઉપરાંત હત્યાના સાત દિવસ પહેલાથી અસંખ્ય સ્થળના સીસીટીવી ફુટેજ લેવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત હત્યાની ઘટના પહેલા અને ત્યારબાદના પણ સીસીટીવી જોવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન પોલીસને મહત્વપુર્ણ જાણકારી મળી છે તા. 3 જાન્યુઆરીના રોજ મનિષા ભુજમાં આવે છે, જ્યારે તેની સાથે કેટલાંક અજાણ્યા માણસો પણ હતા. આ માણસો કોણ હતા અને શું કામ આવ્યા હતા તેની જાણકારી મળતી નથી. પરંતુ હત્યાના બે દિવસ પહેલા મનિષા પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી ગાયબ થઈ જાય છે. આમ હત્યાના 48 કલાક પહેલા મનિષાનો ફોન બંધ થઈ જવો પોલીસ સુચક માની રહી છે.

મનિષાનો ફોન બંધ થઈ જતા પોલીસ તેનો સંપર્ક કરી શકતી નથી. આમ છતાં મનિષા ક્યાં છે તેને શોધી કાઢવા માટે સંખ્યાબંધ ટીમો કામે લાગી છે પણ મનિષા હજી સુધી મળી નથી. પોલીસ  માની રહી છે તા. 3 જાન્યુઆરીના રોજ મનિષા ભુજ આવી ત્યારે તેની સાથે આવેલા અજાણ્યા માણસો જ શુટર હતા. ટ્રેનમાં ગોળી ચલાવનાર કોણ હતા તેની શોધ દરમિયાન પોલીસને એક સીસીટીવી ફુટેઝ મળ્યા છે જેમાં આ શુટર નજરે પડે છે જેમના હાથમાં એક બેગ છે, જે બેગ તેઓ ભાનુશાળીની છે તેમ સમજી લઈ ભાગ્યા હતા. ખરેખર તે બેગ ભાનુશાળીની સામે બેઠેલા મુસાફર પવનની હતી. અધિકારીનો દાવો છે કે તેમની સામે હવે શુટરના ચહેરા આવી ગયા છે અને તેઓ કોણ છે તેમને ઓળખી પણ લીધા છે.  શુક્રવાર સાંજ સુધી આખો કેસ સ્પષ્ટ થઈ જશે.

શુટરો હત્યા બાદ ભાનુશાળીનો એક ફોન લઈ ગયા છે અને ભાનુશાળીની બેગ સમજી સહપ્રવાસીની બેગ લઈ ગયા છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે જયંતિ ભાનુશાળી પાસે એવી કોઈ મહત્વની બાબત હતી જેના આધારે તેઓ કોઈને બ્લેક મેઈલ કરી રહ્યા હોવાની સંભાવના છે અને તેના પુરાવા તેમની બેગમાં અથવા તેમના ફોનમાં હશે તેવુ હત્યારા જાણતા અને માનતા હતા. જેના કારણે તેઓ ફોન અને બેગ લઈ ગયા છે. પોલીસનો દાવો છે કે આ હત્યાને અંજામ આપવામાં જયંતિ ભાનુશાળીની કોઈ નજીકની વ્યક્તિ પણ માહિતી આપવામાં મદદ કરી છે. જયંતિ ભાનુશાળી કઈ તારીખે અને કેવી રીતે મુસાફરી કરવાના છે તે માહિતી હત્યારા સુધી પહોંચી કેવી રીતે આ ઉપરાંત તેઓ ક્યા કોચમાં કઈ સીટ ઉપર બેઠા છે તેની ચોક્કસ માહિતી પણ ભાનુશાળીની નજીકની વ્યક્તિએ જ પુરી પાડી હોવી જોઈએ.

હત્યા બાદ હત્યારાએ ભાનુશાળીનો  એક ચોક્કસ ફોન આંચકી લીધો છે. ભાનુશાળી તો બે થી ત્રણ ફોનનો ઉપયોગ કરતા હતા તો પછી તમામ ફોન લઈ લેવાને બદલે તેઓ એક ચોક્કસ ફોન જ લઈ ગયા તેનો અર્થ નજીકની વ્યક્તિએ ક્યા ફોનમાં ભાનુશાળીએ પુરાવા રાખ્યા છે તેની માહિતી પણ હત્યારાને આપી હશે તેવુ પોલીસ માની રહી છે. પરંતુ આગામી બાર કલાકમાં સમગ્ર હત્યાકાંડ સ્પષ્ટ થઈ જશે તેવુ પોલીસ માની રહી છે.