મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ દેશ દુનિયામાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ખળભળાટ મચેલો છે તેવામાં હાલમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ છે અને આગામી સમયમાં રાજકીય કાર્યક્રમો ઉપરાંત લગ્નગાળો પણ ચાલી રહ્યો છે. જેને કારણે ચિંતાનું કારણ વધુ મોટું બને છે. જામનગરમાં એક કોરોના દર્દીમાં ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળતાં તંત્રમાં દોડધામ મચી છે. તંત્ર હાલ તે વ્યક્તિ અહીં કોને કોને મળ્યા અને તેના સંક્રમણને કઈ રીતે ઘટાડી શકાય તે માટેના પ્રયત્નોમાં છે.

ભારત દેશમાં કુલ ત્રણ કેસ ઓમિક્રોન વેરિઅન્ટ ધરાવતા જોવા મળ્યા છે આ અગાઉ બે દિવસ પહેલા કર્ણાટકમાં બે કેસ આવતા આરોગ્ય વિભાગના હાથ માથે પડી ગયા હતા. હવે જ્યારે ગુજરાતમાં આ વેરિઅન્ટ જોવા મળ્યો છે ત્યારે તે પણ ચિંતાનો વિષય છે કે આ ઉપરાંત અમદાવામાં પણ એક દર્દી છે જેમના રિપોર્ટ તપાસમાં છે, તે વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી પણ શંકાની સોય ચિંધતી હોવાથી તેમાં પણ કોરોનાનો નવો વેરિઅન્ટ હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

જામનગરના દર્દીની વાત કરીએ તો તે દર્દી ઝિમ્બાબ્વેથી આવ્યા હતા. સાઉથ આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા આ દર્દીના સેમ્પલ પણ પુણેની લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી આ તપાસના અહેવાલ સામે આવતા તે દર્દીમાં ઓમિક્રોન વેરિઅન્ટ હોવાનું સ્પષ્ટ થયું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં જ લંડનથી આવેલા 550 પ્રવાસીઓ પૈકી 30નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંકડો ઉચકાયો છે.