મેરાન્યૂઝ નેટવર્ક.મેઘરજઃ પુલવામામાં આતંકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા બાદ વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી અને બાદમાં ભારતે મોટા પ્રમાણમાં સૈન્ય સરહદ પર તૈનાત કરી દેવાયું હતું. આતંકીઓને ભારતમાં ઘૂસતા અટકાવવા અને આતંકી હુમલો ખારવા સૈન્ય સજ્જ બન્યું હતું, ત્યારે આર્મીમાં ફરજ બજાવતા અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના ખુશાલસિંહ ઠાકોરનું લેહમાં ફરજ દરમિયાન હિમશીલા ધસી પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન જિંદગીનો જંગ હારી જતા ભારે ગમગીની છવાઈ હતી.

શહીદ જવાનનો પાર્થિવદેહ વતનમાં લાવતા રાજકીય અગ્રણીઓ અને જીલ્લા કલેક્ટર, પોલીસવડા સહીત અધિકારીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી, ત્યાર બાદ કોઈપણ રાજકીય અગ્રણીએ કે જીલ્લા વહીવટી તંત્રએ શહીદ પરિવારને સરકાર માંથી મળતી આર્થિક સહાય માટે કોઈ મદદ ન કરતા શહીદ જવાનના પત્ની અને પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અરવલ્લીના મેઘરજ તાલુકાના ઝરડા ગામના વતની અને જમ્મુના લેહમાં ફરજ બજાવતા ખુશાલસિંહ ઠાકોરનું એક માર્ચના રોજ ફરજ દરમિયાન થયેલ બરફ વર્ષામાં હિમશીલા નીચે દબાઈ જતા તેઓ વીરગતિ પામ્યા હતા. ખુશાલસિંહ ઠાકોરને પરિવારમાં પત્ની અને બે દીકરા છે. વીરગતિ પામેલ ખુશાલસિંહ ઠાકોરની પત્નીનો આક્ષેપ છે કે સરહદ પર માઁ ભોમની રક્ષા કરતા જે પ્રાણ ન્યોછાવર કરે છે તેમના વારસદારોને સરકારી સહાય મળે છે પરંતુ આજ દિન સુધી કોઈ જ સરરકારી સહાય મળી નથી, કે કોઈ સરકારી અમલદાર તેમને મળવા પણ આવ્યા નથી. ત્યારે ખુશાલસિંહના નાના બાળકોના પાલન પોષણ અને અભ્યાસ માટે તેમનો હવે કોઈ જ આધાર નથી. જેથી દેશની રક્ષા કરતા કરતા પોતાના પ્રાણનું બલીદાન આપનાર સૈનિકના પરિવાર જનોને સરકારી મદદ મળે એવી વીરગતિ પામેલ ખુશાલસિંહ ઠાકોરની વિધવા પત્નીની માગ છે. સાથે સાથે મોડાસા બાયપાસ ચારરસ્તા પર શહિદ સ્મારક બનાવવાની માગ કરી છે, જો કોઈ સરકારી સહાય નહીં મળે તો આગામી 23 એપ્રીલના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની પણ ચીમકી શાહિદ ખુશાલસિંહની પત્નીએ ઉચ્ચારી હતી.