મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ભુજથી અમદાવાદ ટ્રેનમાં આવેલી રહેલા ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની અજાણ્ય શખ્સોએ ગોળી મારી તાજેતરમાં જ હત્યા કરી હતી. હત્યા થયાના લગભગ બે કલાક પહેલા જ જયંતિ ભાનુશાળીએ મુંબઇ ખાતે રહેતી પોતાની દીકરીને ફોન કરીને આગામી દિવસોમાં ઘણુ સારુ થશે તેમ જણાવ્યું હતું.

જયંતિ ભાનુશાળીના વેચાઇ કરશન ભાનુશાળીએ એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જયંતિ ભાનુશાળીએ તે રાત્રે સવા અગિયાર વાગ્યા આસપાસ દીકરી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં જયંતિ ભાનુશાળીએ કહ્યું હતું કે “બેટા, તુ હવે ગભરાઈશ નહિ, ભગવાને તારા બાપ ઉપર અને આપણા કુટુંબની ખૂબ જ પરીક્ષાઓ કરી છે, હવે છેલ્લી પરીક્ષા પૂરી થઈ હવે બેટા આપણે ફરીથી બેઠા થઈશું. આપણી સાથે મા આશાપુરા છે અને સચ્ચાઈની હંમેશાં જીત થાય છે. હવે 2019માં આપણું નામ પહેલાથી ઘણું લોકપ્રિય થશે.”

કરશન ભાનુશાળીએ ઉમેર્યું હતું કે જેના જવાબમાં દીકરીએ જયંતિ ભાનુશાળીને કહ્યું હતું કે “પપ્પા હું તમારો દીકરો થઈને રહીશે, હું તમને ભાઈ અનિરુદ્ધની અને નાના ભાઈની ખોટ ક્યારેય નહિ સાલવા દઉં.”  

અત્રે ઉલ્લેખનીય છે જે સયાજીનગર એક્સપ્રેસમાં જયંતિ ભાનુશાળીની હત્યા બાદ તેમની સામેની સીટ પર રહેલ મુસાફર સહિત ટ્રેનના સ્ટાફની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં મુસાફરે હત્યારાને જોયા હોવાનું કહ્યું છે તથા ટ્રેનમાં અટેન્ડન્ટે ફટાકડા ફૂટ્યા હોય તેવો તથા કોઈ દોડ્યું હોય તેવો અવાજ સાંભળ્યો હોવાનું પોલીસને જણાવ્યું છે. જેથી હત્યામાં બે કે તેથી વધુ શખ્સો સંડોવાયેલા હોય તેવી શક્યતા છે.