મેરાન્યૂઝ નેટવર્ક, ખેડબ્રહ્મા: સમગ્ર વિશ્વના વિકસીત દેશોમાં જ્યાં હવે 5G  નેટવર્કની બોલબાલા છે ત્યારે ભારતમાં હજુપણ એવા કેટલાય વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કના પણ ઠેકાણા નથી. સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાને તત્કાલીક મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ભાજપ સરકારે દેશનો સૌપ્રથમ વાઈફાઈ તાલુકો જાહેર કરી મોટા મોટા બણગા ફૂંકી જોરશોરથી જાહેરાત કરવામાં આવી હતી.

પરંતુ ખેડબ્રહ્મા તાલુકામાં મોબાઈલ નેટવર્કના પણ રીતસરના ફાંફા પડી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન હાજરી ફરજીયાત કરાઈ છે જેમાં અરવલ્લી-સાબરકાંઠાના શિક્ષકો હાજરી પુરવા ડુંગરનો આશરો લીધો હતો ત્યારે નિઃશુલ્ક આરોગ્ય સેવા માટે આયુષ્માન વીમા યોજનાના કાર્ડ કાઢવામાં માટે કોમ્પ્યુટર ઓપરેટર ડુંગર અને ઉંચાણ વાળા વિસ્તારોમાં પહોંચી નેટવર્ક માટે ડંડાઓ પર રાઉટર ગોઠવી આયુષ્માન કાર્ડ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે મથામણ કરી રહ્યા છે અને લોકો કલાકો સુધી રાહ જોઈને બેસી રહે છે.

ભારત સરકાર દ્રારા સમગ્ર ભારતમાં આયુષ્યમાન ભારત કાર્ડની શરૂઆત કરી છે. આયુષ્માન યોજનામાં નામ હોય તેવા પરિવારો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન આયુષ્માન  કાર્ડ માટે નોંધણી કરાવવી ફરજીયાત હોવાથી અરવલ્લી-સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કના જ ફાંફા છે ત્યારે દેશના પ્રથમ  એવા વાઈફાઈ તાલુકા ખેડબ્રહ્મા તાલુકામાં નેટની સ્પીડ મળતી ન હોવાથી સીએસસીના તમામ કર્મીઓ પોતાના કોમ્યુટર સેટ લઈને ડુંગર પર કપરા ચઢાણ ચડી રહ્યા છે. પોશીનાના ગ્રામ્ય વિસ્તારોના 15 જેટલા ગામડાઓમાં આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવતા કર્મચારીઓ ભારેખમ કોમ્યુટરનો સામાન સાથે પહોંચી ઇન્ટરનેટ માટે લાકડીના ડંડાઓના ટાવર બનાવી રાઉટર લટકાવી સ્પીડ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે અને તેમાં પણ સફળતા ના મળે તો અન્ય મોટા ડુંગરો પર સમગ્ર સેટ સાથે પહોંચી કર્મચારીઓ આયુષ્માન કાર્ડની કામગીરી કરી રહ્યા છે. અરવલ્લી જીલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.