મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અને ખાતાકીય પરીક્ષા આપી સબ ઇસ્પેક્ટર થયેલા 600  સબ ઈન્સ્પેકટર્સની પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે  બઢતી આપવા ઉપર ગુજરાત હાઇકોર્ટે સ્ટે મુક્યો છે. સિનિયોરિટી લિસ્ટમાં અન્યાય થઈ રહ્યો છે તેવા મુદ્દે સબ ઇસ્પેકટર્સે ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગતા હાઈકોર્ટે બઢતી પ્રક્રિયા અટકાવી દીધી છે.

ગુજરાત પોલીસમાં વિવિધ સ્તર પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દ્વારા ખાતાકીય પરીક્ષા આપી સબ ઇન્સ્પેકટર તરીકેની પોતાની કામગીરી શરૂ કરી હતી. આ સબ ઈન્સ્પેક્ટર્સની પોલીસ ઇસ્પેક્ટર તરીકેની બઢતી આપવા માટે ડીજીપી ઓફિસ દ્વારા સિનિયોરીટી લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.

આ લિસ્ટમાં પાછળના ક્રમાંક ઉપર રહેલા સબ ઇન્સપેક્ટર્સની નારાજગી હતી. ડીજીપી ઓફિસનું માનવું હતું કે પી.એસ.આઈ ની તાલીમ દરમિયાન લાંબો વખત રજા ઉપર રહેલા અને તાલીમાર્થી તરીકે પરીક્ષા મોડી આપનાર પીએસઆઈનો ક્રમાંક પાછળ ગયો છે. જ્યારે પાછળના ક્રમાંક ઉપર રહેલા પીએસઆઈની રજૂઆત હતી કે આ પ્રકારના નિયમને કારણે તેમની સિનિયોરિટી પાછળ જતી રહી છે. અગાઉ ડીજીપી ઓફિસ દ્વારા  જે  લિસ્ટ  તૈયાર કરવામાં આવ્યું તેમાં તેમનો ક્રમ આગળ હતો પરંતુ નવા નિયમને કારણે તેમનો ક્રમ બદલાઈ ગયો છે.

આ જ મુદ્દે નારાજ સબ ઇસ્પેકટર્સ  દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી હતી. હાઈકોર્ટે અરજીની પ્રાથમિક સુનાવણી બાદ ગુજરાત સરકારને હાલમાં બઢતી અટકાવી દેવા આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે નોંધ્યું કે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં તૈયાર કરવામાં આવેલા લીસ્ટ પ્રમાણે રાજ્ય સરકાર બઢતી આપવા માગતી હોય તો વાંધો નથી. પરંતુ સુધારેલા લિસ્ટ પ્રમાણે હાલ કોઈને પણ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવી નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાત પોલીસમાં ઇન્સ્પેક્ટર્સની સંખ્યાઓ ખાલી છે ત્યારે કોર્ટ કાર્યને કારણે ખાલી જગ્યા ભરવામાં હજી મહિનાઓ નીકળી જશે.