મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ગીર-સોમનાથની દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને રૂપિયા ત્રણ લાખનું વળતર ચુકવવા માટે ગીર સોમનાથ જિલ્લા અદાલતે કરેલા હુકમને ગુજરાત સરકારે હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને સરકારે રજુઆત કરી હતી કે નિયમ પ્રમાણે રૂપિયા એક લાખ જ આપી શકાય તેમ છે. પરંતુ જસ્ટિશ આર પી ઢોલરીયાએ ગુજરાત સરકારની અપીલ ફગાવી દઈ ગીર સોમનાથ કોર્ટના હુકમમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી યુવતીને ત્રણ લાખ આપવા આદેશ આપ્યો છે.

ગીર સોમનાથ કોર્ટમાં એક યુવતી સાથે થયેલા દુષકર્મનો કેસ ગીર સોમનાથ કોર્ટ સામે ચાલી જતાં કોર્ટે આરોપીને કસુરવાર ઠરાવી સજા કરી હતી, સાથે ભોગ બનનાર યુવતીને રાજ્ય સરકાર ત્રણ લાખ વળતર ચુકવે તેવો આદેશ આપ્યો હતો. પરંતુ ગુજરાત સરકારની દલીલ હતી કે વળતર ચુકવવા માટેના અસ્તીત્વમાં રહેલા કાયદા પ્રમાણે ભોગ બનનાર યુવતીને એક લાખ જ વળતર ચુકવી શકાય છે તેના કરતા વધુ વળતર આપવાની જોગવાઇ નથી. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. પરંતુ હાઈકોર્ટે ગીર સોમનાથ કોર્ટના ચુકાદાને બહાલી આપી યુવતીને વળતર માટે સક્ષમ એજન્સી સામે જવા જણાવી રાજ્ય સરકારને ત્રણ લાખનું વળતર ચુકવવા આદેશ આપ્યો છે.