મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: માત્ર 1500 લોકોની વસ્તી ધરાવતું દહેગામ તાલુકાનું હાથીજણ ગામ આજે નાનું હોવા છતાં વિકાસની દ્રષ્ટિએ સૌથી અગ્રેસર છે. જેના કારણે આ ગામને સમરસ ગામ એવર્ડ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવર્ડ 2007-12, 2012-17 સ્વચ્છ ગામ-સ્વસ્થ ગામ એવોર્ડ મળી ચુક્યા છે. ગામની સ્થિતિ હાલ એવી છે કે ગામમાં શહેર જેવી તમામ સુવિધાઓ જેવી કે કોમ્યુનિટી હોલ, આદર્શ સ્કૂલ, તમામ CC રસ્તા, કલ્ચરલ સેન્ટર, લાયબ્રેરી, ઘરે ઘરે ડસ્ટબીન જેવી તમામ સુવિધાઓ ગામમાં ઉપલબ્ધ છે.

એક સમયે રાજાઓના હાથીઓ બાંધવા માટેનું આ સ્થળ છે એટલે આ ગામનું નામ હાથીજણ પડ્યું છે અને આઝદીના સમયે આ ગામમાં ગાયકવાડ સરકારના સમયનો ચોરો પણ છે અને તે જ ગતિ જાળવતા આ ગામ શ્રેઠ ગ્રામ બન્યું છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું આ નાનકડું ગામ સ્વચ્છ અને સ્વસ્થ હોવાના કારણે એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યું છે. ગામના સરપંચ અરુણાબેન પટેલે જણાવ્યું કે ગામમાં માત્ર CCTV કેમેરા અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવાની બાકી છે અને ગામનું નામ સ્માર્ટ વિલેજ માટે પ્રપોઝલ તૈયાર કરીને મોકલી દેવામાં આવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે ગામમાં રોજ સફાઈ કરવામાં આવે છે એટલે કોઈ જગ્યાએ ગંદકી નથી અને એક પણ રસ્તો તૂટેલો કે બિસ્માર હાલતમાં નથી. ગામમાં લોકો માટે તો સરકારી પેટા આરોગ્ય કેન્દ્ર તો છે પરંતુ પશુઓ માટે પણ વેટરનરી દવાખાનું છે. અરુણાબેન નરેશભાઈ પટેલ વર્ષ 2017 જાન્યુઆરીથી હાથીજણ ગામના સરપંચ છે.

સરપંચે જણાવ્યું કે હાથીજણ ગામથી ખમીઝ અને હાથીજણથી ઇસનપુર રોડની માંગણી કરવામાં આવી છે. આ માંગણી ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહીના અભાવે આ રોડની મંજૂરી કે ગ્રાન્ટ મળી નથી. ગામ લોકોની આ રસ્તા બનાવવાની માંગણી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.