મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ૨૦૧૭ના વર્ષમાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકશાન સામે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે કુલ રૂપિયા ૨૦૯૪.૯૨ કરોડની સહાયની માંગણી કરી છે. પરંતુ આ બાબત હજુ સુધી કેન્દ્ર સરકાર પાસે વિચારણા હેઠળ હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા હવાઈ નિરિક્ષણવાળા અસરગ્રસ્ત બનાસકાંઠા કે પાટણ જીલ્લામાં સહાય ફાળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને જીલ્લામાં મુખ્યમંત્રી સહીત કેટલાક મંત્રીઓ અને વહીવટી તંત્ર પાંચ દિવસ સુધી પડ્યું પાથર્યું રહ્યું હતું. આ ઉપરાંત ૨૦૧૫માં અતિવૃષ્ટિના કારણે થયેલી નુકશાની સામે સહાય માટે કેન્દ્ર સરકાર પાસેથી રૂપિયા ૪૪૭૩.૪૭ કરોડની કરાયેલી માંગણીમાં પણ એકપણ રૂપિયો કેન્દ્રની મોદી સરકાર ધ્વારા આજદિન સુધીમાં ફાળવવામાં આવ્યો નથી. નોંધનીય છે કે પૂર બાદ વડાપ્રધાન મોદી ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવતા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો પર ટીકા કરતા હતા કે તેઓ બેંગાલુરુના રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં છબછબીયા કરતા હતા અને લોકો અહીં પૂરમાં પરેશાન થતા હતા. સાથે તેમણે મોરબીમાં થયેલ પૂર હોનારતને યાદ કરી ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધી પર ટીકા કરતી હતી. ત્યારે હવે ગુજરાતમાં પૂર તો જતુ રહ્યું પણ રાજ્યમાં પાણીની પણ તંગી પડવા લાગી છે છતાં મોદીએ એક પણ રૂપિયો કેન્દ્રમાંથી ગુજરાતની જનતાને આપ્યો નથી.  

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ધ્વારા પુછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં મહેસુલ મંત્રીએ જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૭માં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકશાન સામે સહાય માટે કેન્દ્ર સરકાર પાસે રૂપિયા ૨૦૯૪.૯૨ કરોડની માંગણી કરવામાં આવી છે. પરંતુ આ બાબત કેન્દ્ર સરકાર પાસે વિચારણા હેઠળ હોવાથી તા.૩-૨-૨૦૧૭ની સ્થિતિએ કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યને એક રૂપિયો પણ ફાળવ્યો નથી. આથી કેન્દ્રની સહાયમાંથી અસરગ્રસ્ત બનાસકાંઠા કે પાટણ જીલ્લામાં સહાય ફાળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

જયારે બીજા એક પ્રશ્નના જવાબમાં મહેસુલ મંત્રીએ લેખિતમાં જણાવ્યું છે કે, રાજ્યમાં જુન-જુલાઈ ૨૦૧૫માં અતિવૃષ્ટિના કારણે થયેલી નુકશાની સામે સહાય માટે કેન્દ્ર સરકાર પાસેથી રૂપિયા ૪૪૭૩.૪૭ કરોડની માંગણીની દરખાસ્ત સપ્ટેમ્બર-૨૦૧૫માં કરવામાં આવી હતી. જેમાં ભારત સરકારની એનડીઆરએફની હાઈ લેવલ કમિટીની તા.૯-૧૧-૨૦૧૫ના રોજ મળેલી બેઠકમાં રૂપિયા ૫૬૧.૮૨ કરોડની સહાય એનડીઆરએફમાંથી મંજુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમાં શરત રાખવામાં આવી હતી કે ,રાજ્ય સરકારની એનડીઆરએફની સીલકના ૫૦ ટકા અથવા મંજુર કરવામાં આવેલી સહાય, એનડીઆરએફની સિલક કરતા ઓછી હોય તેવા સંજોગોમાં સહાય મળવા પાત્ર થશે. જ્યારે રાજ્ય સરકારની એનડીઆરએફની સીલક તા.૧-૪-૨૦૧૫ના રોજ ૩૦૮૨.૨૬ કરોડ હતી. તેના ૫૦ ટકા પ્રમાણેની રકમ ૧૫૪૧.૧૩ કરોડ થતી હતી. પરિણામે મંજુર કરવામાં આવેલી રકમ ૫૬૧.૮૨ કરોડ ઓછી થતી હોવાથી કેન્દ્ર સરકાર ધ્વારા રાજ્ય સરકારને કોઈ રકમ મળવાપાત્ર થતી નહિ હોવાનો જવાબ તા.૧-૧૨-૨૦૧૫ના રોજ આપવામાં આવેલો છે. આથી કેન્દ્ર સરકાર ધ્વારા ફંડ ફાળવવાનો પ્રશ્ન ઉપસ્થિત રહેતો નહિ હોવાનું મંત્રીએ જણાવ્યું છે.